ટ્રમ્પ મોદી પર ઓળઘોળ, પણ ભારતને પાંચીયુ ય નહીં | Trump on Modi: ‘He Looks Like an Angel But He’s Very Tough

![]()
– મોદી બહુ જ બ્યૂટિફુલ, ટફ નેગોશિએટર, સારા માણસ અને કિલર છે: અમેરિકન પ્રમુખ
– ટ્રેડ ડીલમાં માત્ર વાટાઘાટો, કોઇ જ નક્કર પરિણામ નહીં !!
– કોઇ દેશ એટેક કરશે તો અમેરિકા ભારતને મદદ કરશે: ટ્રમ્પ
– મેં આઠ યુદ્ધોને રોક્યા, રશિયા-યુક્રેન પણ શાંતિ જાળવે: ટ્રમ્પ, મોદીએ પશ્ચિમ એશિયામાં સુધારા બદલ ટ્રમ્પના વખાણ કર્યા
– અમેરિકાએ ભારતના ત્રણ નાવિકોને મારી નાખ્યા તેના પર કોઇ આંસુ નહીં…
– મોદીને ભારતીયો પસંદ છે, અમેરિકાને પણ પસંદ કરે છે: ટ્રમ્પ ગદગદ, ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી
પેરિસ : ફ્રાંસમાં યોજાયેલી જી-૭ સમિટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. ૧૬ મહિના બાદ બન્ને દેશોના વડાઓએ એકબીજાની સાથે મુલાકાત કરી હતી. જેમાં વેપાર, સંરક્ષણ, હોર્મુઝ ખાડીએ વિવાદ વગેરે પર ચર્ચા થઇ હતી. આ દરમિયાન ભારત પર ટેરિફ નાખવામાં અગ્રેસર ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ખૂબ વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી બહુ જ સુંદર દેખાતા માણસ છે, મોદી એન્જલની સાથે સાથે કિલર છે.
ટ્રમ્પને જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો જવાબમાં અમેરિકાના પ્રમુખે કહ્યું હતું કે ભારત અને અમેરિકા બહુ જ ગાઢ મિત્રતા ધરાવતા દેશો છે. મોદી બહુ જ આકરા મંત્રણાકાર છે, તેઓ સૌથી સુંદર દેખાવડા માણસ છે, મોદી બહુ જ સારા દેખાય છે, એન્જલ જેવા લાગે છે પરંતુ તેઓ છે બહુ જ આકરા અને કિલર. લોકો પણ કહે છે કે મોદી બહુ જ સારા માણસ છે. દરમિયાન ટ્રમ્પે હાવડી મોદી ઇવેન્ટ યાદ કરી તો મોદીએ અમદાવાદમાં ૨૦૨૦માં યોજાયેલી નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને યાદ કરી હતી.
દરમિયાન હોર્મુઝ ખાડીએ અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત નિપજ્યા છે. એવામાં મોદીએ ઇરાન અને અમેરિકાની ડીલમાં નાવિકોની સુરક્ષાનો મુદ્દો સામેલ કરવા પણ ટ્રમ્પને સલાહ આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય નાવિકોના મોતના સમાચાર મને મળ્યા, આ મુદ્દે સાથે મળીને કામ કરીશું, ભારતને કોઇ પણ પ્રકારનો ખતરો હશે તો તેવી સ્થિતિમાં અમેરિકા તેને પુરી મદદ કરશે. ટ્રમ્પે ફરી મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મોદી સાથેની આ બેઠક બહુ જ શ્રેષ્ઠ રહી. સાથે જ ટ્રમ્પે ભારત આવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે મોદીને ભારતીય નાગરિકો બહુ પસંદ છે સાથે જ મોદીને અમેરિકા પણ પસંદ છે. ભારત એક મોટી ભૂમિકા ભજવવા જઇ રહ્યું છે. જ્યાંસુધી હું વ્હાઇટ હાઉસમાં છું ત્યાં સુધી અમેરિકામાં ભારતનો એક મિત્ર રહેશે. આ દરમિયાન ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે મે આઠ યુદ્ધોનો વિરામ કરાવ્યો છે.
એવામાં મારી ઇચ્છા છે કે રશિયા અને યુક્રેન પણ યુદ્ધનો અંત લાવે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં તંગદીલીને શાંત પાડવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા. સાથે જ લાંબા સમય સુધી શાંતિ સ્થાપિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી.



