નસની તકલીફની દવાઓને કારણે સોનુ નિગમના અવાજ પર અસર | Sonu Nigam voice affected by nerve problems medication

![]()
મુંબઈ : હાલ લાઇવ પરફોર્મન્સ કરવા માટે મીડલ ઇસ્ટ ગયેલાં સોનુ નિગમની હાલત ચિંતાજનક હોવાનું જણાવતો એક વિડિયો સોશ્યલ મિડિયા પર ફરી રહ્યો છે. સોનુએ પોતાના આ વિડિયોમાં તેની નસ ખેંચાઇ ગઇ હોવાનું જણાવી છેલ્લા એક અઠવાડિયાથી પોતે કરાવેલા વિવિધ ટેસ્ટની વિગતો જણાવી હતી. સોનુ નિગમે જણાવ્યું હતું કે નસ પકડાઇ ગઇ હોવાનું નિદાન કરવા માટે મારે એમઆરઆઇ અને સીટી સ્કેન કરાવવા પડયા છે. હું હાલ સારી એવી દવાઓ પણ લઇ રહ્યો છું. ફિઝિયોથેરાપી સૌથી વધારે પીડાદાયક બની રહેતી હોવાથી મારે પેઇન કીલર્સ લેવી પડે છે. જેના કારણે મારો અવાજ પણ ઘોઘરો થઇ ગયો લાગે છે. ગાયકે જણાવ્યું હતું કે મારી નસને છુટી કરવા માટે આપેલી દવાઓની અસર મારા અવાજ પર પણ થઇ રહી છે. લાઇવ શો કરવાનો છે ત્યારે આ બાબત ચિંતાજનક ગણાય. આમ છતાં સોનુ નિગમે જણાવ્યું હતું કે અવાજ ઘોઘરો થવાને કારણે મારો આત્મવિશ્વાસ ડગી રહ્યો છે પણ સ્ટેજ પર લાઇવ પરફોર્મ કરવા માટે કટિબદ્ધ છું.
આ વિડિયો મુકતાંની સાથે જ સોશ્યલ મિડિયા પર તેના ચાહકોએ તેની પ્રતિબદ્ધતાના વખાણ કરતાં અને તે ઝડપથી સારો થઇ જાય તેવી શુભેચ્છાના સંદેશોનો મારો ચલાવ્યો હતો. તબિયત સારી ન હોવા છતાં પ્રોફેશનલ કમિટમેન્ટ પાળવાની તેની તૈયારીને તેના ચાહકોએ બિરદાવી હતી.



