શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to answer sheet checking with population counting

![]()
વડોદરાઃ નવા શૈક્ષણિક સત્રની શરુઆત સાથે જ સ્કૂલોના શિક્ષકો પર કામનું ભારણ વધી ગયું છે.મળતી જાણકારી પ્રમાણે હાલમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે.
આ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવા માટે વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં મૂલ્યાંકન કેન્દ્રો શરુ કરાયા છે.વડોદરા શહેરમાં ધો.૧૦ અને ધો.૧૨ના ચાર કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવામાં આવશે.જોકે શાળાના શિક્ષકો પહેલેથી જ વસતી ગણતરીની કામગીરી કરી રહ્યા છે અને આ પૈકી ૩૦ ટકા શિક્ષકો એવા છે જેમને મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પણ સોંપવામાં આવી છે.આમ હવે આ શિક્ષકોને વસતી ગણતરીનું કામ છોડીને ઉત્તરવહીઓ તપાસવી પડશે.ઉપરાંત તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.આ માટેની તૈયારીઓનો અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરીનો ભાર પણ શિક્ષકોના માથે છે.આવા સંજોગોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે આપી શકે તે એક મોટો સવાલ છે.


