ઘર આંગણે ખાટલામાં ઊંઘતી પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ | five years old girl kidnepped

![]()
સાધલી તા.૧૬ શિનોર તાલુકાના સતિસાણા ગામમાંથી ખાટલામાં ઊંઘતી ૫ વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં અપહરણ થતાં બાળકીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
સતિસાણા ગામમાં રહેતા દિનેશ રમેશભાઇ રાઠોડિયાએ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મેં વર્ષ-૨૦૧૭માં અનિતા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સંતાનમાં પાંચ વર્ષની પુત્રી દિવ્યા ઉર્ફે દિવું અને છ વર્ષનો પુત્ર છે. દોઢ મહિના પહેલા પત્ની સાથે અણબનાવ થતાં તે બંને સંતાનોને લઇને તેના પિયર જતી રહી હતી.
બંને બાળકોની સ્કૂલ શરૃ થવાની હોવાથી ૧૦ દિવસ પહેલાં હું પત્ની અને સંતાનોને લેવા માટે ગયો હતો ત્યારે પત્નીએ પરત આવવાની ના પાડતા બંને સંતાનોને લઇને હું ઘેર આવ્યો હતો. ત્યારબાદ તા.૧૪ના રોજ હું ફરીથી પત્નીને લેવા માટે ગયો ત્યારે તેને આવવાની તૈયારી બતાવતા અમો બંને તેના પિયરથી વડોદરા આવ્યા હતા અને સાંજે મારા ફોઇના ઘેર રોકાઇ ગયા હતાં.
દરમિયાન સવારે મારા નાના ભાઇનો ફોન આવ્યો હતો કે પાંચ વર્ષની દિવ્યા ઉર્ફે દિવુ રાત્રે ૧૧ વાગે તેના ભાઇ સાથે ખાટલામાં મારો મોબાઇલ જોતી હતી ત્યારબાદ તે ઊંઘી ગઇ હતી અને રાત્રે ત્રણ વાગે હું જાગ્યો તો ખાટલા પર તે મળી ન હતી. જેથી ઘરમાં તેમજ આસપાસ તપાસ કરવા છતાં તેનો પત્તો નથી. બાદમાં હુ પત્ની સાથે મારા ગામમાં પરત ફર્યો હતો અને શોધોખોળ કરવા છતાં તે મળી નથી. માસૂમ બાળકીના અપહરણ અંગેની ફરિયાદના પગલે જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી સહિતની બ્રાંચો દ્વારા બાળકીને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવા છતાં આજે સાંજ સુધી તેનો પત્તો મળ્યો નથી.


