પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled her to death and hung her body from a tree

![]()
જસદણના કોઠી ગામમાં આત્મહત્યાની જણાતી ઘટના હત્યાની નીકળી
મધરાત્રે પતિને ઊંઘતો રાખી પ્રેમી પાસે ગઇ, પરત ફરતી વખતે પતિ જાગી જતાં ફરીથી પ્રેમી પાસે જતાં મોત મળ્યું
રાજકોટ: જસદણ નજીકના કોઠી ગામે રામાપીરના મંદિર સામે કેળાના ઝાડ પર લટકતી કાજલ યોગેશભાઇ સાપરા નામની ૨૩ વર્ષની પરિણીતાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં આત્મહત્યાની જણાતી આ ઘટના મર્ડરની નીકળી છે. કાજલની તેના પ્રેમી અશોક રણછોડ સાપરાએ મોઢે ડુચો દઇ, ગળું દબાવી ઠંડે કલેજે હત્યા કરી નાખ્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા લાશ કેળાના ઝાડ સાથે લટકાડી દીધી હતી. કાજલ પતિને ઊંઘતો રાખી પ્રેમી અશોકને મળવા ગઇ હતી. પાછળથી તેનો પતિ જાગી જતાં ફરીથી પ્રેમી અશોક પાસે જઇ પોતાને સાથે લઇ જવા કહ્યું હતું. આ મુદ્દે ઝઘડો થતાં પ્રેમી અશોકે તેની હત્યા કરી નાંખી હતી.
ગઇકાલે સવારે કાજલની લાશ મળી આવી હતી. જે અંગે ગામના સરપંચ વલ્લભભાઇ સોલંકીએ જસદણ પોલીસને જાણ કરતાં પીઆઇ જે.પી.ગોસાઇ સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ નિરિક્ષણ કરતાં જ પોલીસને બનાવ શંકાસ્પદ લાગ્યો હતો. જેને કારણે તપાસમાં એલસીબીની ટીમે પણ ઝુકાવ્યું હતું. એએસપી નવીન ચક્રવર્તીએ જુદી-જુદી ટીમોને કામે લગાડી હતી. આખરે કાજલના મોબાઇલની કોલ ડીટેઇલ અને હ્યુમન સોર્સિસની મદદથી તેની હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું.
તે સાથે જ કોઠી ગામમાં રહેતા અશોકની પોલીસે અટકાયત કરી હતી. તેની પુછપરછમાં એવી વિગત ખુલી છે કે, કાજલ, તેનો પતિ યોગેશ, સાસુ હંસાબેન અને ભત્રીજી શ્રદ્ધા મકાનની બહાર સુઇ ગયા હતા. ત્યારબાદ કાજલ પતિને ઊંઘતો રાખી પોતાના મકાનથી થોડે દૂર બંધ મકાનમાં રાહ જોતાં પ્રેમી અશોકને મળવા ગઇ હતી. મધરાત્રે અઢી વાગ્યે તેના પતિની ઊંઘ ઉડી જતાં શોધખોળ શરૂ કરી હતી.
બીજી તરફ કાજલ મધરાત્રે પ્રેમીને મળી ઘરે જતી હતી ત્યારે પતિ સહિતના પરિવારજનો શોધખોળ કરતાં હોવાની જાણ થતાં ગભરાઇ ગઇ હતી. તત્કાળ પ્રેમી અશોક પાસે પરત ફરી હતી અને તેને કહ્યું કે, હવે હું ઘરે પાછી નહીં જાઉ, મને તું તારી સાથે લઇ જા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં કાજલે બૂમાબૂમ શરૂ કરી હતી. તે સાથે જ પ્રેમી અશોકે તેનો અવાજ દબાવવા તેના મોઢામાં કાગળનો ડૂચો ભરાવી દીધો હતો. જેને કારણે કાજલનો શ્વાસ રૂંધાઇ જતાં અર્ધબેભાન જેવી બની જતાં ગળું દબાવી તેને શાંત પાડી દીધી હતી.
ત્યારબાદ કાજલની લાશ ખભા પર નાંખી ૫૦ મીટર દૂર આવેલા અવાવરૂ મકાન સુધી લઇ ગયો હતો. મકાનની બહાર કેળાના વૃક્ષ સાથે તેની લાશ લટકાડી બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં કાજલનો મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યો હતો. મધરાત્રે પત્ની કાજલને પથારીમાં ન જોઇ પતિ સહિતના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. વહેલી સવારે કાજલના મોબાઇલમાંથી તેના પતિ અને નણંદ કે જેનું નામ પણ કાજલ છે તેને મેસેજ આવ્યો હતો કે, હું એટલે કે કાજલ તસાબાપુના ઘરે છું ત્યાં આવી જાઓ.
પરિણામે યોગેશ, તેની માતા, બનેવી સંજય માલકીયા અને બહેન કાજલ સહિતના પરિવારજનો તસાબાપુના ઘરે દોડી ગયા હતા. પરંતુ ત્યાંથી કાજલ નહીં મળતાં ઘરે પરત આવી ગયા હતા. વહેલી સવારે તેમને કાજલની લાશ મળ્યાની જાણ થઇ હતી.
– કાજલના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા, અગાઉ રાજકોટ રહેતી હતી
રાજકોટ: જસદણ પોલીસે હત્યાનો ભોગ બનનાર કાજલના પતિ યોગેશની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, બંનેના એકાદ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. અગાઉ રાજકોટ રહેતા હતા. એકાદ માસ પહેલાં જ કોઠી ગામે રહેવા ગયા હતા. આરોપી, યોગેશનો દૂરનો સંબંધી હોવાની માહિતી મળી છે. આરોપી પણ પરિણીત છે. કાજલના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. એટલું જ નહીં કાજલ અને આરોપીએ બનાવ વખતે પહેરેલા કપડાં કબજે કર્યા હતા. કાજલનો તુટેલી હાલતમાં મોબાઇલ ફોન પણ કબજે કર્યો હતો.



