गुजरात

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controversy over action to cut down six trees in Nizampura



Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં વૃક્ષોના ટ્રિમિંગની કામગીરીને લઈને વિવાદ સર્જાયો છે. સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા પરવાનગી વગર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે નિઝામપુરા બસ ડેપો પાસે આવેલા મુખ્ય માર્ગ પરના છ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ કામગીરી બાદ સ્થાનિક રહેવાસીઓમાં પણ ચર્ચા જાગી હતી.

સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, એક સ્થાનિક નાગરિકે આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂછપરછ કરતાં તંત્ર તરફથી વૃક્ષો કાપવાની કોઈ પરવાનગી આપવામાં આવી નથી તેવો જવાબ મળ્યો હતો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો પરવાનગી આપવામાં આવી નથી તો પછી આ વૃક્ષો કાપવાની કાર્યવાહી કોણે કરી.

રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષોના લાકડા ઉપાડવા માટે કોર્પોરેશનના ટ્રેક્ટરો સ્થળ પર પહોંચ્યા હતા. તેમના મતે પ્રી-મોન્સૂન કામગીરીના નામે આ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં માત્ર જોખમી, નમી ગયેલા અથવા તૂટી પડવાની શક્યતા ધરાવતા વૃક્ષોને જ દૂર કરવાની જરૂરિયાત હોય છે.

તેમણે દાવો કર્યો હતો કે કાપવામાં આવેલા વૃક્ષો મજબૂત અને સ્વસ્થ હતા તથા વાવાઝોડા કે વરસાદ દરમિયાન નુકસાન પહોંચાડે તેવી સ્થિતિમાં નહોતા. પરવાનગી વગર વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરતાં તેમણે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની માંગણી કરી હતી.

સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે એક તરફ સત્તાધારી પક્ષ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વૃક્ષારોપણના કાર્યક્રમો યોજીને પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે, જ્યારે બીજી તરફ આવા વૃક્ષો કાપવામાં આવતા હોવાના કારણે નાગરિકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે. તેમણે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી.



Source link

Related Articles

Back to top button