અમરેલીમાં વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો! ઘટનાસ્થળેથી માત્ર ખોપરીના અવશેષો મળ્યા | Lioness Attack in Amreli: Uttarakhand Youth Mauled to Death Near Rajula Power Plant

![]()
Lioness Attack in Amreli: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી ચોંકાવનારી અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. કોવાયા ગામ નજીક એક સિંહણે માનવ શિકાર કર્યો હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કોવાયા ગામ નજીક આવેલા TPP પાવર પ્લાન્ટની સામે ઘટી હતી. અહીં આવેલી એક રેસ્ટોરન્ટમાં કામ કરતા અને મૂળ ઉત્તરાખંડના વતની પ્રકાશ ચંદ્ર નામના યુવક પર અચાનક એક સિંહણે હિંસક હુમલો કર્યો હતો. મોડી રાત્રે પોતાના વતન નીકળેલા યુવકને સિંહણે ખેંચીને સીમ વિસ્તારમાં લઈ ગઈ હતી અને તેને ફાડી ખાધો હતો.
માત્ર ખોપડી જેવા અવશેષો જ હાથ લાગ્યા
ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિકો અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ અને પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના અવશેષોને કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, સિંહણ નરભક્ષી બની હોવાની આશંકા વચ્ચે વનવિભાગ દ્વારા તેને પાંજરે પૂરવા માટે તાકીદે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હિંસક બનેલી આ સિંહણને ટ્રેક કરવા અને પકડવા માટે વનવિભાગ દ્વારા વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોવાયા ગામ અને આસપાસના સીમ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.



