‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansukh Vasava Slams Own Party Leaders in Dediapada Meeting

![]()
Mansukh Vasava News | નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પર જોરદાર વિફર્યા હતા. બેઠક દરમિયાન મનસુખ વસાવાએ અત્યંત આક્રમક વલણ અપનાવી પોતાની જ પાર્ટીના કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપના લોકો જ ભાજપને નડતા હોવાની કબૂલાત
તેમણે જાહેરમાં પક્ષના આંતરિક વિખવાદને બહાર લાવતા જણાવ્યું હતું કે, ચૂંટણી કે અન્ય કામોમાં વિરોધી પાર્ટી કરતા આપણા જ ભાજપના લોકો આપણને વધુ નડે છે. આવા તત્ત્વો સામે આકરા શબ્દોમાં ચેતવણી આપતા સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પક્ષ કે પોતાના પદની સહેજ પણ પરવા કર્યા વિના, યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોને જનતાની સામે લાવીને ખુલ્લા પાડશે.
દારૂ-જુગારના અડ્ડા ચલાવનારા સાથે પણ સાંઠગાંઠનો આરોપ
આ જ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના ગેરકાયદે અડ્ડાનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમણે આ દૂષણ પાછળ પોતાની જ પાર્ટીના લોકોની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરતા કહ્યું કે, અડ્ડા ચલાવતા અસામાજિક તત્ત્વો સાથે ભાજપના જ કેટલાક લોકો સીધા સંકળાયેલા છે.
ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો બનીને ફરતા લોકો જ દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓને છાવરે છે અને તેમને મદદરૂપ થાય છે. આવા તત્ત્વો પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, “તમે મોઢેથી કહો છો કે અમે સમાજ સેવક છીએ, પણ વાસ્તવમાં તમે સમાજના દુશ્મન છો અને સમાજને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો.”
આ દરમિયાન તેમણે મંચ પરથી ચીમકી આપી હતી કે, આગામી દિવસોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત એવા તમામ લોકો, પછી ભલે તે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ખુદ ભાજપના કેમ ન હોય, તેમને હું પોતે જાહેરસભા યોજીને પ્રજાની વચ્ચે બેનકાબ કરીશ.



