दुनिया

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર દુનિયાના દિગ્ગજો રાજી, જાણો કોણે શું કહ્યું? | US Iran Peace Deal Global Leaders Welcome Historic 14 Point Draft MoU



US Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલો તણાવ આખરે શાંતિ સમજૂતી તરફ આગળ વધ્યો છે.  ઈરાને અમેરિકા સાથેના 14 મુદ્દાના પ્રસ્તાવિત ડ્રાફ્ટ MoU (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ)ની સત્તાવાર જાહેરાત કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેના પર આગામી શુક્રવારે જિનેવા ખાતે મહોર લાગવાની છે.

મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિ સ્થાપનારી આ મોટી ડીલથી વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષાને એક નવી દિશા મળશે, જેને કારણે વૈશ્વિક સ્તરે ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક સફળતા પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુએન (UN) મહાસચિવ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સહિત દુનિયાભરના શક્તિશાળી નેતાઓએ રાજીપો વ્યક્ત કરીને આ નિર્ણયને આવકાર્યો છે. વૈશ્વિક રાજકારણમાં ખૂબ જ મહત્ત્વનો વળાંક લાવનારી આ શાંતિ સમજૂતી પર કયા વૈશ્વિક નેતાએ શું મોટી પ્રતિક્રિયા આપી છે, તેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ: ‘હોર્મુજ રૂટ હવે ટોલ-ફ્રી અને નાકેબંધી સમાપ્ત’

આ ઐતિહાસિક શાંતિ કરારની સત્તાવાર જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, યુએસ અને ઈરાન વચ્ચે પીસ ડીલ સંપૂર્ણપણે પાકી થઈ ગઈ છે. આ સમજૂતી હેઠળ તેઓ હોર્મુજ રૂટને વ્યાપારી જહાજો માટે ટોલ-ફ્રી ખોલવાની અને નૌસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવી લેવાની મંજૂરી આપે છે. આ ડીલ પર સહી કરવા માટે શુક્રવારે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ જિનેવા જશે અને એવી પણ શક્યતા છે કે આ ખાસ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ત્યાં હાજર રહે.

ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીઝ: ‘ટ્રમ્પની આ ડીલ અમેરિકા માટે અસુરક્ષિત’

બીજી તરફ, અમેરિકાના દિગ્ગજ ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીઝે આ શાંતિ કરાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ડીલને અત્યંત અસુરક્ષિત ગણાવી છે. જેફ્રીઝે આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પના આવા અવિચારી નિર્ણયોને કારણે ઈરાન પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે અને ખુદ અમેરિકાની સુરક્ષા ઓછી થઈ ગઈ છે.

ઈરાન અને આયતુલ્લા અલી ખામેનેઈ: ‘દુશ્મન પાસે શરણાગતિ સિવાય કોઈ રસ્તો નહોતો’

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના માર્ગદર્શન હેઠળ ઇસ્લામાબાદમાં ચાલેલી લાંબી અને જટિલ વાટાઘાટો બાદ 14 જૂનની સાંજે આ MoUના ડ્રાફ્ટને આખરી ઓપ અપાયો છે. આ કરાર મુજબ, લેબેનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને સૈન્ય ઓપરેશન્સ કાયમ માટે બંધ થઈ જશે. 

ઈરાની સેનાના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે દાવો કર્યો છે કે, દેશની જનતા અને સશસ્ત્ર દળોએ સાબિત કરી દીધું છે કે અમેરિકા જેવા દુશ્મન પાસે હવે હથિયાર હેઠા મૂકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જોકે, આ શાંતિ પ્રક્રિયા વચ્ચે પણ લશ્કરી તણાવ દેખાયો છે, જેમાં ઈઝરાયલ રક્ષા દળો (IDF)એ દક્ષિણ લેબેનોનમાં હવાઈ હુમલો કરીને હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર અલી મૂસા દકદુકને ઠાર કર્યો હોવાનો દાવો કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસચિવ: ‘કૂટનીતિની જીત, મધ્યસ્થી કરનારા દેશોનો આભાર’

યુએન (UN)ના મહાસચિવે આ ઐતિહાસિક શાંતિ સમજૂતી પર રાજીપો વ્યક્ત કરીને અમેરિકા અને ઈરાન બંને દેશોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, તાત્કાલિક યુદ્ધવિરામ અને હોર્મુજ રૂટને ફરીથી ખોલવાનો આ નિર્ણય વૈશ્વિક શાંતિ અને કૂટનીતિની દિશામાં એક ખૂબ જ મહત્ત્વનું પગલું છે. આ સાથે જ તેમણે પાકિસ્તાન, કતાર, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને તૂર્કીયે જેવા દેશોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે, જેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવીને આ શાંતિ કરાર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

યુરોપિયન (E4) દેશો: ‘ઈરાન પરથી પરમાણુ પ્રતિબંધો હટાવવા તૈયાર’

યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના E4 દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આ કરારને વધાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો લાંબો ટકરાવ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ રહ્યો હોવાથી, તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ આર્થિક પ્રતિબંધોને હટાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન: ‘હોર્મુજ રૂટ કોઈપણ શરત વગર તાત્કાલિક ખુલે’

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને આ પીસ ડીલનું સ્વાગત કર્યું છે. તેમણે તમામ પક્ષોને અપીલ કરી છે કે વૈશ્વિક અર્થતંત્ર અને ક્ષેત્રીય શાંતિને જાળવી રાખવા માટે હોર્મુજ જળમાર્ગને કોઈપણ શરત વિના વ્યાપારી જહાજોની અવરજવર માટે તાત્કાલિક ખોલી દેવો જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિના અવરોધે ચાલી શકે.

તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન: ‘આખી દુનિયા આ સારા સમાચારની રાહ જોતી હતી’

તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને આ સમજૂતીને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને જણાવ્યું કે, સમગ્ર વિશ્વ લાંબા સમયથી આ સારા સમાચારની પ્રતીક્ષા કરી રહ્યું હતું. આ સાથે જ તેમણે આટલી મોટી ડીલ શક્ય બનાવવા બદલ પાકિસ્તાનની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા અને કતાર તથા સાઉદી અરેબિયાના કૂટનીતિક સહયોગની પણ પ્રશંસા કરી હતી.

જાપાનના વડાંપ્રધાન સનાએ તાકાઇચી: ‘પરિસ્થિતિ સુધારવા તરફ આ એક મોટું પગલું’

જાપાનના વડાંપ્રધાન સનાએ તાકાઇચી પણ આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘જાપાન હંમેશાં આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છતું આવ્યું છે. બંને દેશોએ યુદ્ધનો રસ્તો છોડીને પરસ્પર વાતચીતનો જે માર્ગ પસંદ કર્યો છે, તે મધ્ય-પૂર્વની સ્થિતિ સુધારવા અને હોર્મુજ રૂટને સુરક્ષિત બનાવવા તરફનું એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું છે.’

પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે શું કહ્યું?

અમેરિકા અને ઇરાન વચ્ચે આ ડીલ કરાવવામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “લાંબી વાટાઘાટો બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ગઈ છે તેની જાહેરાત કરતા અમને ખૂબ આનંદ થાય છે. બંને પક્ષો લેબનાન સહિત તમામ મોરચે તાત્કાલિક અને કાયમી ધોરણે યુદ્ધ રોકવા માટે સંમત થયા છે.”



Source link

Related Articles

Back to top button