दुनिया

ઇઝરાયેલ-ઇરાન હુમલા કરી મારી ડીલ પર ‘પાણી ના ફેરવે’ : ટ્રમ્પ | Israel Iran attacks ‘don’t derail my deal’: Trump



ડીલ પહેલા જ ઇઝરાયેલે લેબનોન પર હુમલો કરતા ટ્રમ્પ છંછેડાયા

– હુમલામાં હિઝબુલ્લાહનો કમાન્ડર ઠાર કર્યો : ઇઝરાયેલ, ત્રણ નાગરિકોના મોત, ૧૫ ઘાયલ થયાના અહેવાલ

– ડીલ થાય તે પહેલા જ તેના મહત્વના દસ્તાવેજો લીક થઇ ગયા, હોર્મુઝ ખાડી ટૂંક સમયમાં ખુલવાની આશા

– હવે સમગ્ર પ્રાંતમાં શાંતિ સ્થાપિત થવા જઇ રહી છે કોઇ પણ પ્રકારનો અટકચાળો ના કરવો : ટ્રમ્પની સલાહ

વોશિંગ્ટન: ઇરાન અને અમેરિકાની વચ્ચે ડીલ આગળ વધે તે પહેલા જ ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુત પર બોમ્બમારો કરી દીધો હતો, જેને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રોષે ભરાયા હતા, તેમણે ઇઝરાયેલ અને ઇરાન બન્નેને સલાહ આપી હતી કે હુમલા કરીને મારી મહેનત પર પાણી ના ફેરવશો. ઇઝરાયેલે બૈરુત પર જે હુમલા કર્યા તેમાં ત્રણ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે ઇઝરાયેલનો દાવો છે કે તેણે હિઝબુલ્લાહના કમાન્ડરને આ હુમલામાં ઠાર કર્યો હતો.  

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઇઝરાયેલના બૈરુત પર હુમલાની ટીકા કરતી એક પોસ્ટ કરી હતી. જેમાં ટ્રમ્પે લખ્યું હતું કે બૈરુત પર સવારે જે હુમલો થયો તે નહોતો થવો જોઇતો, ખાસ કરીને ઇરાન સાથે ડીલ કરવાની નજીક પહોંચી ગયા છીએ ત્યારે આ હુમલા ના સ્વીકારી લેવાય. ઇઝરાયેલને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે પરંતુ જે હુમલા કરવામાં આવ્યા તેનાથી કઇ જ પ્રાપ્ત ના થયું, કોઇ માર્યું નથી ગયું કે ઘાયલ નથી થયું. બહુ જ નાનો હુમલો હતો જેની કોઇ જ જરૂર નહોતી. અમે હવે ડીલની એકદમ નજીક પહોંચી ગયા છીએ કે જે થઇ ગયા બાદ સમગ્ર પ્રાંતમાં શાંતિ સ્થાપિત થઇ જશે. 

ઇઝરાયેલને ચેતવણી આપતા હોય તેવા શબ્દોમાં ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે લેબનોન પર ક્યાંય પણ હવે ઇઝરાયેલ દ્વારા હુમલા ના થવા જોઇએ. તેવી જ રીતે હિઝબુલ્લાહ કે અન્ય કોઇ પણ બીજા દેશ દ્વારા પણ હુમલા ના થવા જોઇએ. હવે આપણે શાંતિની શરૂઆત કરવા જઇ રહ્યા છીએ.  રવિવારે ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતના દાહિયા વિસ્તારમાં ફરી હુમલો કર્યો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ તેની જાહેરાત ખુદ ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ દ્વારા કરવામાં આવી હતી, તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે પહેલા ઉત્તરીય ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેને પગલે જવાબી કાર્યવાહીમાં અમારે આ હુમલો કરવો પડયો. 

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ ડીલ થાય તે પહેલા જ આ ડીલના કેટલાક મહત્વના દસ્તાવેજો લીક થઇ ગયા હોવાના અહેવાલો છે. ઇરાનના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇરાન પરમાણુ હથિયારો નહીં વસાવે તે માગ સ્વીકારી લેવાઇ છે. આ અધિકારીનો દાવો છે કે અમેરિકા આશરે ૨૫ અબજ ડોલર ફ્રીઝ કરેલા ફંડને પરત સોંપવા માટે તૈયાર થઇ ગયું છે. એવા પણ અહેવાલો છે કે હવે ટૂંક સમયમાં હોર્મુઝ ખાડી પણ ખોલી નાખવામાં આવી શકે છે. 

– દેખાવકારોમાં મહિલાઓ પણ હતી, લાલ ઝંડા ફરકાવતી હતી : અરાઘચી મુર્દાબાદ : અમેરિકા સાથે શાંતિ મંત્રણા મુદ્દે ઈરાનીઓ રોષે ભરાયા

તહેરાન: ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધમાં ગૂંચ ઉકલતી જઈ રહી છે. પરંતુ ઇરાનમાં સમગ્ર દેશભરમાં શાંતિ-સમજૂતી સામે વ્યાપક વિરોધ જાગી રહ્યો છે. કટ્ટરપંથી ઇરાનીઓએ તેમનો ગુસ્સો આ ડીલમાં મુખ્ય મંત્રણાકારની ભૂમિકા નિભાવી રહેલા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મજલીસ (સંસદ)નાં અધ્યક્ષ ગાલિબાફ વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો યોજાઈ રહ્યાં છે. આ દેખાવો તેવે સમયે થઈ રહ્યો છે કે ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથે શાંતિ-સમજૂતી અંગે શેખી મારી રહ્યું છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ઈરાન સાથેની સમજૂતી ઉપર રવિવારે જ સહી થઈ જશે. જ્યારે ઈરાને તે વાતને નકારી કાઢી છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકવાની સંભાવના દેખાતી નથી ઃ મંત્રણાના મુખ્ય વાર્તાકારો અરાઘચી અને ગાલીબાફ સામે ઈરાનમાં વ્યાપક વિરોધ

એએફપીના રિપોર્ટ પ્રમાણે ઈરાનમાં શાંતિ-સમજૂતી અંગ બે પક્ષ પડી ગયા છે. કેટલાંક શાંતિ-સમજૂતી તરફી છે, તો કેટલાક તેનો સખ્ત વિરોધ કરે છે. તેટલું જ નહીં પરંતુ યુદ્ધમાં તેમના સુપ્રીમ લીડરનાં અને તેમના તમામ સાથીઓનાં મોતનો બદલો લેવા માગે છે.

શનિવારે જ્યારે વિદેશમંત્રી અરાઘચી, મસદ શહેરમાં એક સમ્મેલનમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો નારાબાજી કરી રહ્યા હતા. પ્રદર્શન કરનારાઓમાં કેટલીયે મહિલાઓ પણ સામેલ હતી. તેમણે કાળા બુર્ખા પહેર્યા હતા, અને લાલઝંડા ફરકાવતી હતી.

આ દેખાવકારોનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાવકારો અરાઘચી મુર્દાબાદ, અરાઘચી શર્મ કરો, ઝૂકવું બંધ કરો તેવા નારા લગાડી રહ્યા હતાં. એએફપીનો રિપોર્ટ વધુમાં જણાવે છે કે શાંતિ-સમજૂતી અંગે લોકોમાં સતત ગુસ્સો વધી રહ્યો છે. દેખાવકારોનો તર્ક છે કે યુદ્ધ શરૂ થઈ જ ચૂક્યું છે. ટ્રમ્પ ઝૂકી રહ્યાં છે તો પછી ટ્રમ્પની શર્તોએ શાંતિ-સમજૂતી કરવાની જરૂર શી છે ? તેઓ કહે છે કે અરાઘચી અને ગાલીબાફ જે સમજૂતી સ્વીકારવાની તૈયારી કરે છે તેઓ ઈરાનનું હિત જોતા નથી. તેથી હોર્મુઝ ઉપર ઈરાનની પકડ ઢીલી થઈ જશે. બીજી તરફ અરાઘચી કહે છે કે તેઓ ભલેને ધોખેબાજ કહે પરંતુ હું ઈરાનના પક્ષમાં જ મંત્રણા કરવાનો છું. અરાઘચી અને ગાલીબાફ વિરુદ્ધ પ્રદર્શન તેવે સમયે થઈ રહ્યાં છે કે જ્યારે બંને પક્ષ તરફથી શાંતિ સમજૂતી અંગે સમાન મંતવ્યો વહી રહ્યાં છે. ટ્રમ્પે પણ પોતાના ૮૦માં જન્મદિવસે સમજૂતી કરાવવાનો દાવો કર્યો છે.



Source link

Related Articles

Back to top button