અરાઘચી મુર્દાબાદ : અમેરિકા સાથે શાંતિ મંત્રણા પર ઈરાનીઓ આગ બબુલા | Araghchi Murdabad: Iranians fire on peace talks with America

![]()
દેખાવકારોમાં મહિલાઓ પણ હતી, લાલ ઝંડા ફરકાવતી હતી
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકવાની કોઈ સંભાવના દેખાતી નથી : મંત્રણાના મુખ્ય વાર્તાકારો અરાઘચી અને ગાલીબાફ સામે ઈરાનમાં વ્યાપક વિરોધ
તહેરાન: ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલાં યુદ્ધમાં ગૂંચ ઉકલતી જઈ રહી છે. પરંતુ ઇરાનમાં સમગ્ર દેશભરમાં શાંતિ-સમજૂતી સામે વ્યાપક વિરોધ જાગી રહ્યો છે. કટ્ટરપંથી ઇરાનીઓએ તેમનો ગુસ્સો આ ડીલમાં મુખ્ય મંત્રણાકારની ભૂમિકા નિભાવી રહેલા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મજલીસ (સંસદ)નાં અધ્યક્ષ ગાલિબાફ વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો યોજાઈ રહ્યાં છે. આ દેખાવો તેવે સમયે થઈ રહ્યો છે કે ટ્રમ્પ પ્રશાસન ઈરાન સાથે શાંતિ-સમજૂતી અંગે શેખી મારી રહ્યું છે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ઈરાન સાથેની સમજૂતી ઉપર રવિવારે જ સહી થઈ જશે. જ્યારે ઈરાને તે વાતને નકારી કાઢી છે.
એએફપીના રિપોર્ટ પ્રમાણે ઈરાનમાં શાંતિ-સમજૂતી અંગ બે પક્ષ પડી ગયા છે. કેટલાંક શાંતિ-સમજૂતી તરફી છે, તો કેટલાક તેનો સખ્ત વિરોધ કરે છે. તેટલું જ નહીં પરંતુ યુદ્ધમાં તેમના સુપ્રીમ લીડરનાં અને તેમના તમામ સાથીઓનાં મોતનો બદલો લેવા માગે છે.
શનિવારે જ્યારે વિદેશમંત્રી અરાઘચી, મસદ શહેરમાં એક સમ્મેલનમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે સેંકડોની સંખ્યામાં લોકો નારાબાજી કરી રહ્યા હતા. પ્રદર્શન કરનારાઓમાં કેટલીયે મહિલાઓ પણ સામેલ હતી. તેમણે કાળા બુર્ખા પહેર્યા હતા, અને લાલઝંડા ફરકાવતી હતી.
આ દેખાવકારોનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાવકારો અરાઘચી મુર્દાબાદ, અરાઘચી શર્મ કરો, ઝૂકવું બંધ કરો તેવા નારા લગાડી રહ્યા હતાં.
એએફપીનો રિપોર્ટ વધુમાં જણાવે છે કે શાંતિ-સમજૂતી અંગે લોકોમાં સતત ગુસ્સો વધી રહ્યો છે. દેખાવકારોનો તર્ક છે કે યુદ્ધ શરૂ થઈ જ ચૂક્યું છે. ટ્રમ્પ ઝૂકી રહ્યાં છે તો પછી ટ્રમ્પની શર્તોએ શાંતિ-સમજૂતી કરવાની જરૂર શી છે ? તેઓ કહે છે કે અરાઘચી અને ગાલીબાફ જે સમજૂતી સ્વીકારવાની તૈયારી કરે છે તેઓ ઈરાનનું હિત જોતા નથી. તેથી હોર્મુઝ ઉપર ઈરાનની પકડ ઢીલી થઈ જશે. બીજી તરફ અરાઘચી કહે છે કે તેઓ ભલેને ધોખેબાજ કહે પરંતુ હું ઈરાનના પક્ષમાં જ મંત્રણા કરવાનો છું. અરાઘચી અને ગાલીબાફ વિરુદ્ધ પ્રદર્શન તેવે સમયે થઈ રહ્યાં છે કે જ્યારે બંને પક્ષ તરફથી શાંતિ સમજૂતી અંગે સમાન મંતવ્યો વહી રહ્યાં છે. ટ્રમ્પે પણ પોતાના ૮૦માં જન્મદિવસે સમજૂતી કરાવવાનો દાવો કર્યો છે.



