गुजरात

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Moti Bananagar Jamnagar taluka



Jamnagar Farmer  Protest : જામનગર જિલ્લાના બાણુંગર ગામે હાઈટેન્શન વીજલાઈનના વિરોધમાં ખેડૂતોની વિશાળ મહાસભા યોજાઈ હતી. મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની નીતિઓ સામે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. કિસાન કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતો પર અત્યાચાર અને દમન કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

મહાસભાને સંબોધતા કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેતીની જમીનોમાંથી હાઈટેન્શન વીજલાઈનો પસાર કરી ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર અને સત્તાધીશો મોટા ઉદ્યોગો તથા કંપનીઓના હિતોને પ્રાધાન્ય આપી ખેડૂતોની સમસ્યાઓને અવગણી રહ્યા છે.

આગામી 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો જમીન માપણી, દેવા માફી, દિવસના 8 કલાક પૂરતી વીજળી સહિતની પાંચ મુખ્ય માંગણીઓ સાથે ગાંધીનગર કૂચ કરશે. આ રેલી રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ખેડૂત રેલી બનશે એવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

મહાસભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને વહીવટી તંત્ર પણ એલર્ટ સ્થિતિમાં રહ્યું હતું.

ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને હવે આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનવાના સંકેતો મળી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button