વડોદરા કોર્પોરેશનમાં નવી V- MAP સિસ્ટમમાં અનેક ભૂલો: વેરાની વસૂલાતમાં કરોડોનું નુકસાન : વોર્ડમાં કર્મચારીઓ અને કરદાતાઓ વચ્ચે ઘર્ષણ | Many Mistakes in the new V MAP system in Vadodara Corporation Loss of crores in tax collection

![]()
વડોદરા કોર્પોરેશનમાં વેરા વસૂલાત પદ્ધતિ માટે જે કોમ્પ્યુટરમાં સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી તેના બદલે તાજેતરમાં તારીખ 22 એપ્રિલથી નવી V-MAP સિસ્ટમ દાખલ કરવામાં આવતા કોર્પોરેશનની વેરાની આવક પર સીધી અસર પડી છે એટલું જ નહીં અસંખ્ય બીલોમાં ભારાંકથી લઈ રકમ અને વર્ષમાં પણ અનેક ભૂલો આવતી હોવાથી દરેક વોર્ડમાં કર્મચારીઓ અને કરદાતાઓ વચ્ચે ચકમકના દ્રશ્યો સર્જાતા રહે છે.
વડોદરા કોર્પોરેશનમાં વેરા વસુલાતની કામગીરી માટે હાલમાં આઇ.ટી વિભાગ દ્વારા ORCS સિસ્ટમ બંધ કરીને V-MAP ઓનલાઈન સિસ્ટમથી જીઓ ટેગીંગથી આકારણી કરવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.
જેમાં આકરણીના બિલની રકમમાં વારંવાર ખોટી રકમ બિલમાં છપાઈને આવે છે અમુક સેન્સસ નંબરવાળા વેરાબીલોમાં પાછલી ડિમાન્ડ, ચાલુ ડિમાન્ડની રકમ કુલ ડિમાન્ડમાં બંનેની ટોટલ થઈને આવવી જોઈએ જેની જગ્યાએ અલગ જ રકમ બતાવે છે તેમજ ઓછી રકમ બતાવે છે. તદુઉપરાંત ઘણા બીલમાં મુદત તા.1-4-2025થી 31-3-2036 બતાવે છે.
અનેક વેરા બિલોમાં વેરો ભર્યો હોવા છતાં વેરાની રકમ બાકી બતાવે છે જેથી વોર્ડમાં રેવન્યુ સ્ટાફ સાથે નાગરિકોને ઘર્ષણ થાય છે.વેરા મિલકતમાં જો નવીન સિસ્ટમમાં કોઈ કરદાતાનો વેરો બાકી હોવા છતાં ઝીરો રકમ બતાવવાના તેમજ વેરા બિલની તારીખ પત્યા પછી પણ વ્યાજ તથા પેનલ્ટીની રકમ દેખાડતી નથી.
એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામા બતાવેલ જનરલ ટેક્ષ તથા વોટર ટેક્ષ, કન્ઝરવન્સી ટેક્ષ તથા સુવરેજ ટેક્સ મા પરીપત્ર મુજબ રીબેટ આપવા અર્થે તથા પ્રોગ્રામ મા સુધારો કરવા અત્રેની શાખાએથી આપને પત્ર પાઠવેલ હતો. સદર સ્કીમમાં દર વર્ષની જેમ 170થી 190 કરોડની આવક થાય છે તેમજ મોટાભાગના નાગરીકો સદર સ્કીમનો લાભ મેળવે છે પરંતુ આઇ.ટી શાખા દ્વારા તૈયાર કરેલ V -MAP સીસ્ટમ એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજના શરૂ કરતા ની સાથે જ અતીશય ધીમી ઝડપ તેમજ ગણતરીઓ ખોટી હોવાના કારણે તમામ વોર્ડ ઓફીસો મા નાગરીકો જોડે ઘર્ષણ ના બનાવો બનેલ છે તેમજ ટેલીફોનીક ફરીયાદો પણ અત્રેની કચેરીને મળેલ છે જે બાબત ઘણી ગંભીર છે તેમજ રેવન્યુ આવક પર અસર થાય છે.
એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનામા બતાવેલ જનરલ ટેક્ષ તથા વોટર ટેક્ષ, કન્ઝરવન્સી ટેક્ષ તથા સુવરેજ ટેક્સ મા પરીપત્ર મુજબ રીબેટ આપવા અર્થે ગણતરી ખોટી હોવાના કારણે વડોદરા મહાનગર પાલિકાની રેવન્યુની આવક પર સીધી અસર પડી છે.
કોર્પોરેશન ના દરેક વોર્ડમાં નવી સિસ્ટમને કારણે મુશ્કેલી પડી રહી છે તેના નિવારણ માટે જૂની સિસ્ટમ પણ ચાલુ રાખવા વોર્ડ ઓફિસરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે એટલું જ નહીં આ નવી સિસ્ટમ દાખલ કરતા પહેલા વોર્ડના અધિકારીઓને વિશ્વાસમાં પણ લેવામાં આવ્યા નથી કે કર્મચારીઓને કોઈપણ પ્રકારની ટ્રેનીંગ પણ આપવામાં આવી નથી જેને કારણે આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.



