दुनिया

રશિયા, US, ઇઝરાયેલ,ઈરાનથી ચઢીયાતુ ભારત, શાંતિની બાબતમાં ક્યા નંબરે છે રેન્ક? | Global Peace Index 2026: India Ranks 127th Ahead of USA Russia Pakistan and Israel


Global Peace Index 2026 India Rank : વૈશ્વિક સ્તરે વધી રહેલા યુદ્ધો અને સૈન્ય સંઘર્ષોની વચ્ચે દુનિયાના સૌથી શાંતિપૂર્ણ દેશોને લઈને એક નવો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ યાદી અનુસાર, વિશ્વના શક્તિશાળી દેશો જેવા કે અમેરિકા, રશિયા, ઇઝરાયેલ અને ઈરાનની સરખામણીએ ભારત ઘણો શાંતિપૂર્ણ દેશ સાબિત થયો છે. પાકિસ્તાન પણ શાંતિની આ યાદીમાં ભારત કરતાં ઘણું પાછળ છે. જો કે, ગયા વર્ષની સરખામણીમાં ભારતના પોતાના રેન્કિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025માં ભારત 124માં સ્થાન પર હતું, જે આ વર્ષે ઘટીને 127 માં સ્થાન પર પહોંચી ગયું છે.

વિશ્વભરમાં શાંતિની સ્થિતિ પર નજર રાખતી સંસ્થા ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ’ (IEP)ના અહેવાલ મુજબ, આ સર્વેમાં ભારતનો સ્કોર 2.409 રહ્યો છે, અને ભારત વૈશ્વિક સ્તરે 127માં ક્રમે છે. આ યાદીમાં યુરોપનો નાનો દેશ આઇસલેન્ડ (Iceland) 1161ના સ્કોર સાથે દુનિયાનો સૌથી શાંતિપ્રિય દેશ બન્યો છે. આઇસલેન્ડ સતત છેલ્લા 19 વર્ષથી વિશ્વના સૌથી શાંતિપૂર્ણ દેશ તરીકે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, હાલના દિવસોમાં મહાસત્તાઓ વચ્ચેના યુદ્ધોને કારણે વૈશ્વિક સ્તરે અશાંતિમાં મોટો વધારો થયો છે.

રશિયા, US, ઇઝરાયેલ,ઈરાનથી ચઢીયાતુ ભારત, શાંતિની બાબતમાં ક્યા નંબરે છે રેન્ક? 2 - image

પાકિસ્તાન અને અમેરિકા પણ શાંતિની રેસમાં ભારતથી પાછળ

વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં અમેરિકા 2535ના સ્કોર સાથે 134માં સ્થાન પર ફેંકાઈ ગયું છે, જ્યારે વેનેઝુએલા 133માં સ્થાન પર છે. મિડલ ઈસ્ટના યુદ્ધોમાં સીધું સંડોવાયેલું ઈરાન આ યાદીમાં 144માં સ્થાને છે. અહેવાલ અનુસાર, વર્ષ 2025 માં અમેરિકા 130માં સ્થાને હતું, પરંતુ વિવિધ આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને યુદ્ધોમાં તેની સીધી લશ્કરી ભાગીદારીને કારણે તેના રેન્કિંગમાં મોટો કડાકો બોલાયો છે.

બીજી તરફ, આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન 152માં સ્થાન પર છે. છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાનનું રેન્કિંગ 6 સ્થાન નીચે ખસક્યું છે, જે વર્ષ 2025માં 146માં ક્રમે હતું. આ દર્શાવે છે કે, પાકિસ્તાનની આંતરિક અને બાહ્ય સ્થિતિ પહેલા કરતાં વધુ અશાંત બની છે. આ યાદીમાં તુર્કીએ પોતાની સ્થિતિ સુધારી છે, અને તે 136માં સ્થાને પહોંચ્યું છે, જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરેલું રશિયા આ યાદીમાં સૌથી નીચેના સ્તરે છે.

દક્ષિણ એશિયા અને મુસ્લિમ દેશોની સ્થિતિ

જો દક્ષિણ એશિયા (South Asia) ના ક્ષેત્રની વાત કરીએ તો,

ભૂતાન: આ ક્ષેત્રનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે.

તે પછી અનુક્રમે શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશનો નંબર આવે છે.

આ યાદીમાં ભારત પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ક્રમ આવે છે.

ઇસ્લામિક અને ખાડી દેશોની વાત કરીએ તો, કતાર (Qatar) વિશ્વનો સૌથી શાંત મુસ્લિમ દેશ બન્યો છે, જે વૈશ્વિક સ્તરે 31માં સ્થાને છે. આ સિવાય કુવૈત 49માં અને ઓમાન 60માં નંબર પર છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધો છતાં ઇઝરાયેલના રેન્કિંગમાં થોડો સુધારો નોંધાયો છે, તેમ છતાં તે 160 માં સ્થાને છે.

તમને જણાવી દઈએ કે, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ દર વર્ષે જાહેર કરવામાં આવે છે, જેમાં દેશના આંતરિક અને બાહ્ય સંઘર્ષો, સૈન્યીકરણ, હિંસા, અપરાધ દર અને લોકશાહી સાથે જોડાયેલા 23 જેટલા ગુણાત્મક અને જથ્થાત્મક સૂચકાંકોને ધ્યાનમાં રાખીને રેન્કિંગ આપવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button