ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Year Old Jama Masjid Underground Chamber in Bharuch Reveals Rare Jain Sculptures

![]()
Jama Masjid Bharuch: ભરૂચ જિલ્લાની રાષ્ટ્રીય ધરોહર ગણાતી અને વર્ષોથી ધાર્મિક સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી જુમ્મા (જામા) મસ્જિદનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ સ્થળ જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે છેલ્લા છ મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ વિવાદ વધતાં આખરે પુરાતત્વ વિભાગે મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો ખોલીને તપાસ કરતા અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે, જેના પર સંવત 1213નો ઉલ્લેખ છે. આ સમગ્ર કામગીરીનો પુરાતત્વ વિભાગ દ્વારા વીડિયો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલવામાં આવ્યો છે.
પૌરાણિક પ્રતિમાઓ મળી આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને મસ્જિદ પરિસરમાંથી બિનઅધિકૃત દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ભોંયરા તરફ જતો એક મુખ્ય દરવાજો હાલ પૂરતો કાયમ માટે બંધ કરી દેવાયો છે. પુરાતત્વ વિભાગની પરવાનગી વિના અહીં ઊભા કરાયેલા અન્ય વજુખાના અને પંખા-લાઈટ જેવી સુવિધાઓ અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.
વિવાદનું મૂળ ઇતિહાસ સાથે જોડાયેલું
વિવાદનું મૂળ ઇતિહાસ સાથે જોડાયેલું છે. હિન્દુ જૈન પક્ષનો આક્ષેપ છે કે 13મી સદીમાં અલાઉદ્દીન ખીલજીના આક્રમણ સમયે મૂળ જૈન સમરી વિહાર મંદિરને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું, જેના સ્તંભો પર આજે પણ જૈન પરંપરાની પ્રાચીન કોતવણી જોવા મળે છે. જ્યારે બીજી તરફ મુસ્લિમ બિરાદરો અહીં સદીઓથી શુક્રવારની નમાજ અદા કરતા આવ્યા છે. હાલમાં આ ઐતિહાસિક ઇમારતની મૂળ ઓળખને લઈને બંને પક્ષો આમને-સામને આવી ગયા છે. પુરાતત્વ વિભાગના રિપોર્ટ બાદ હવે આ રાષ્ટ્રીય ધરોહરને જુમ્મા મસ્જિદ તરીકે યથાવત રાખવામાં આવશે કે જૈન સમરી વિહાર તરીકે પુનઃ સ્થાપિત કરાશે, તેનો આધાર વહીવટી અને કાનૂની નિર્ણય પર રહેનાર છે.
આ સ્થળ જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ છે : મુક્તાનંદ સ્વામી
ભરૂચના નવચોકી ઓવારા સ્થિત શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે, ‘જુમ્મા મસ્જિદ એ વાસ્તવમાં જૈન સમરી વિહાર છે. અમારા લાંબા આંદોલન અને રજૂઆતો બાદ જ્યારે 700 વર્ષ જૂનું ભોંયરૂં ખોલાયું, ત્યારે તેમાંથી ભગવાન મલ્લિનાથની સંવત 1213ની પ્રતિમાઓ મળી આવી છે જે અમારા દાવાને સાબિત કરે છે. આ પવિત્ર સ્થળને ફરીથી મંદિર તરીકે સ્થાપિત કરવું જોઈએ.’
મસ્જિદ સરકારી ગેઝેટ અને વક્ફ બોર્ડમાં નોંધાયેલી છે: ટ્રસ્ટી
જુમ્મા-મસ્જિદના ટ્રસ્ટી અબ્દુલ કામઠીએ આક્ષેપોને નકારતા જણાવ્યું છે કે, ‘આ ઐતિહાસિક મસ્જિદ વર્ષ 1907થી ભારત સરકારના ગેઝેટમાં નોંધાયેલી છે અને વક્ફ બોર્ડ અંતર્ગત રજીસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન થાય છે. કેટલાય લોકો જાણી જોઈને નવો વિવાદ ઊભો કરી રહ્યા છે. અમે આ મામલે હાઇકોર્ટના વરિષ્ઠ વકીલોની સલાહ લીધી છે અને કાયદાકીય લડત આપીને સત્ય સામે લાવીશું.’


