વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the road block highway lathi charge over power line construction issue

![]()
પોલીસ પ્રોટેક્શન સાથે વીજલાઈન કામગીરી ચાલુ કરાતા જ ખેડૂતો ઉમટી પડયા
જેતપર અને આસપાસના ગામના ખેડૂતો એકઠા થઈ રસ્તો રોકતા પોલીસે બળપ્રયોગ કરી ખેડૂતોને હટાવ્યા, એક મહિલા બેભાન
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ લાઈનની પોલીસ પ્રોટેક્શન સાથે આજે ફરીથી કામગીરી શરૂ થતા મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. જેતપર સહિતના ગ્રામજનોએ કચ્છ અમદાવાદ હાઈવે ચક્કાજામ કર્યો હતો જેના કારણે રસ્તાની બન્ને સાઈડમાં પાંચ પાંચ કિલોમીટર વાહનોની કતારો લાગી ગઈ હતી. આજે ઘટનામાં પોલીસ અને આંદોલનકારી ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસનેે બળપ્રયોગ કરીને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં એક મહિલા બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
મોરબીના જેતપર ગામે વીજ કંપની દ્વારા પોલીસના મોટા બંદોબસ્ત સાથે કામગીરી શરુ કરવામાં આવતા જેતપર ગામના ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન એક આંદોલનકારી મહિલા બે ભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.રસ્તા પર ઉતરી વિરોધ કરી રહેલ મહિલાઓની મોટી સંખ્યામાં પોલીસે અટકાયત કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો.જેથી રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. અણિયારી ટોલનાકે ખેડૂતો દ્વારા ચક્કાજામ કરી દેતા હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થવા સાથે પાંચ કિલોમીટરની લાંબી વાહનોની કતારો લાગી હતી. પોલીસ દ્વારા ખેડૂતોને એક તરફ ખસેડવામાં આવતા ઘર્ષણના દ્રશ્યોે પણ સર્જાયા હતા.
આજે પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે અણિયારી ટોલનાકે હોબાળો મચાવી ચક્કાજામ કરતાં બીજા અનેક ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખેડૂતો ત્યાંથી દુર જતા ન હતા. શરૂઆતમાં પોલીસે ખેડૂતોને રોડની એક તરફ ખસેડયા હતા, ત્યારબાદ થોડી જ વારમાં ફરી ખેડૂતો રોડ ઉપર ચક્કાજામનો પ્રયાસ કરવા લાગ્યા હતા. અંતે પોલીસે લાઠી ચાર્જ બળપ્રયોગ કરી અને તમામ ખેડૂતોને સાઈડમાં ખસેડયા હતા. હાલ આ ચક્કા જામ સમેટાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુમાં ખેડૂતો જેતપર પરત ફર્યા છે.
અહીં પોલીસે ડિટેઇન કરાયેલા ખેડૂતોને મુક્ત કરાતા તમામ ગ્રામજનોએ તેઓનું હારતોરા કરી સન્માન કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ રાખવાની જાહેરાત પણ કરી છે.



