સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ પાસે અમેરિકી હેલિકોપ્ટર તૂટી પડયું, ફ્લાઈટ પાયલોટ અને ક્રૂ સહિત સર્વેનો અદ્ભૂત બચાવ | US helicopter crashes near Strait of Hormuz miraculous rescue of flight pilot

![]()
– હેલીકોપ્ટર શા કારણે તૂટી પડયું તે વિષે કોઈ માહિતી નથી
– અપાચે એટેક હેલિકોપ્ટર દુનિયાનાં સૌથી એડવાન્સ્ડ સૌથી વધુ ઘાતક એન સૌથી વધુ મોંઘા હેલિકોપ્ટરો પૈકીનું એક ગણાય છે
નવી દિલ્હી : સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ પાસે અમેરિકાનું અપાચે યુદ્ધ હેલિકોપ્ટર તૂટી પડતાં હડકંપ મચી ગયો છે. જો કે હેલિકોપ્ટર પાયલોટ અને ક્રૂ સહિત તમામને બચાવી લઇ શકાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે એ વિસ્તાર મધ્યપૂર્વમાં પહેલેથી જ તંગ દિલી વ્યાપી રહી છે તેવામાં આ ઘટના બનતાં વધુ તંગદિલી વ્યાપી રહેશે તેટલું જ નહીં પરંતુ આવી ઘટનાઓથી શાંતિ-મંત્રણા ઉપર જોખમ ઊભું થઇ ગયું છે અને યુદ્ધ વિરામ નિર્બળ બનતો જાય છે.
આ ઘટનાની માહિતી આપનાર સૂત્રોનો હવાલો આપતાં ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે આ હેલિકોપ્ટર શા કારણે તૂટી પડયું તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. જો કે આ ક્રેશને લીધે તે વિસ્તારની સલામતી અંગે ચિંતા વધી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે અપાચે યુદ્ધ હેલીકોપ્ટર કોઈ સામાન્ય ચોપર નથી. બોઈંગ એ-એચ-૬૪ પ્રકારનું આ હેલિકોપ્ટર દુનિયાનાં સૌથી વધુ એડવાન્સ્ડ સૌથી વધુ ઘાતક અને સૌથી મોંઘા હેલિકોપ્ટરો પૈકીનું એક છે તેને ઉડતી ટેન્ક પણ કહેવામાં આવે છે. કારણ કે તે શત્રુના પ્રદેશમાં પણ ઘૂસી તબાહી મચાવી શકે છે.
અપાચે હેલિકોપ્ટર શસ્ત્રો અને રડાર સાથેના એક ઉડતા કિલ્લા જેવું છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ ૬ નવાં એ.એચ.૬૪ અપાચે હેલિકોપ્ટર્સ માટે આશરે ૪,૧૬૮ કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. તે પ્રમાણે જોતાં એક અપાચે હેલિકોપ્ટરની કિંમત ૮૬૦ થી ૯૫૦ કરોડ રૂપિાય જેટલી થવા જાય છે. તેમાં સેન્સર, રેડાર, શસ્ત્રો તથા પાયલોટ ટ્રેનિંગનો ખર્ચ પણ આવરી લેવાયો છે.



