હોર્મુઝ પર પેટ્રોલિંગ કરી રહેલા US અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું, અમેરિકા આપશે જવાબઃટ્રમ્પ | Trump Vows Retaliation After Iran Shoots Down US Apache Helicopter in Strait of Hormuz

US Apache Helicopter Shot Down Hormuz : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે તેમની સોશિયલ મીડિયા ચેનલ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર એક સનસનાટી ભરી પોસ્ટ કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘ગઈકાલે રાત્રે ઈરાની સૈન્ય દળોએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકાના અત્યંત આધુનિક ‘અપાચે એટેક હેલિકોપ્ટર’ ને તોડી પાડ્યું છે.’
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું
‘મને હમણાં જ અમારી મહાન મિલિટરી (સેના) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ‘ગઈકાલે રાત્રે ઈરાનીઓએ હોર્મુઝની સામુદ્રધુની પર પેટ્રોલિંગ કરી રહેલા અમારા અત્યંત આધુનિક અપાચે હેલિકોપ્ટરોમાંથી એકને તોડી પાડ્યું છે. આ હેલિકોપ્ટરમાં 2 પાયલોટ સવાર હતા, અને સદનસીબે બંને સુરક્ષિત અને બિનઅસરગ્રસ્ત છે. તેમ છતાં, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) માટે આ હુમલાનો વળતો જવાબ આપવો અનિવાર્ય છે.’
દરિયાઈ ડ્રોન દ્વારા ઈતિહાસનું પ્રથમ રેસ્ક્યુ ઓપરેશન
અમેરિકી મિલિટરીના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ઓમાનના દરિયાકાંઠા નજીક સ્થાનિક સમય મુજબ સવારે આશરે 03:30 વાગ્યે સર્જાયો હતો. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકી નેવીની વિશેષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ‘ટાસ્ક ફોર્સ 59’ (Task Force 59) એક્શનમાં આવી હતી. સમુદ્રમાં આશરે 2 કલાક સુધી ફસાયેલા રહેલા બંને આર્મી જવાનોને યુએસ મિલિટરીના એક અંડરવોટર/સરફેસ ડ્રોન બોટ (Unmanned Sea Drone) દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. યુએસ સૈન્યના ઇતિહાસમાં સમુદ્રની અંદર ડ્રોન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.

યુએસ સેના અને ઈરાન વચ્ચે શા માટે છે તણાવ?
અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મોટું સૈન્ય યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ માર્ગને બ્લોક કરી દીધો છે, જેના જવાબમાં અમેરિકી સેનાએ ઈરાનના ક્રૂડ ઓઈલ શિપમેન્ટ અને ટેન્કરો પર નૌકાદળ નાકાબંધી (Blockade) લાદી દીધી છે. આ નાકાબંધીને કડક બનાવવા માટે અમેરિકાના AH-64 અપાચે હેલિકોપ્ટરો સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.
જો કે, સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, હેલિકોપ્ટર ક્રેશ થવાનું ચોક્કસ કારણ શું હતું ?. તે ઈરાની ફાયરિંગના કારણે તૂટી પડ્યું કે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તેની સત્તાવાર તપાસ ચાલી રહી છે. પરંતુ ટ્રમ્પના આ આકરા તેવર અને વળતો પ્રહાર કરવાની ચેતવણી બાદ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ વધુ ભયાનક વળાંક લે તેવી આશંકા સેવાઈ રહી છે.



