અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો | Ahmedabad: Man Dies After Falling From Fourth Floor While Fleeing in Bopal

![]()
Ahmedabad News: અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં ઝઘડો અને મારામારી કરનાર મહાવીરસિંહ સિંધવ પોલીસના ડરથી ભાગવા જતાં ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. નોંધનીય છેકે, મહાવીરસિંહ તેની સામે ગુજસીટોક (GUJCTOC) તેમજ ડ્રગ્સ જેવા અનેક ગંભીર કેસો નોંધાયેલા હતા. બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નશાની હાલતમાં પાડોશીઓ સાથે મચાવ્યો હતો હોબાળો
મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના ચુડાના ચોકડી ગામનો વતની મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. ગત રાત્રે (આઠમી જૂન) મહાવીરસિંહે નશાની હાલતમાં પાડોશીઓ અને ફ્લેટના અન્ય રહીશો સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. મહાવીરસિંહના આ આતંક અને ત્રાસથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
પોલીસના ડરથી ભાગવા જતાં લપસ્યો પગ
આ મામલે બોપલ પોલીસનો કાફલો ફ્લેટ પર પહોંચ્યો હતો. પોલીસ આવી હોવાની ભાળ મળતાં જ અગાઉના ગુનાઓમાં ફરાર અને નશામાં ધૂત મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. ચોથા માળેથી નાસી છૂટવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. જેમાં તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે બોપલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતનો ગુનો નોંધી, પાડોશીઓ અને ફ્લેટના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે.
હત્યાના પ્રયાસ અને ગુજસીટોક જેવા ગંભીર ગુનાઓ દાખલ હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહાવીરસિંહ સિંધવ સામે અગાઉથી જ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાનો પ્રયાસ, મારામારી, ગુજસીટોક અને એનડીપીએસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હતો.
મૃતક મહાવીરસિંહના લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયા તાર
ઉલ્લેખનીય છે કે, મૃતક મહાવીરસિંહ અગાઉ ભારતીય સેનામાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ દેશસેવાની નોકરી છોડીને તેણે ગુનાખોરીનો રસ્તો પકડ્યો હતો. વર્ષ 2020માં મોરબીના ટીકર ગામમાં યોજાયેલા ડાયરામાં તે અચાનક ચર્ચામાં આવ્યો હતો. એ સમયે તે 10 વૈભવી કારોના કાફલા સાથે રોયલ એન્ટ્રી કરી સ્ટેજ પર લાખો રૂપિયાનો વરસાદ કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. કાયદાના લીરેલીરા ઉડાડતી તેની આ લાઈફસ્ટાઈલ ભારે ચર્ચાસ્પદ બની હતી.
મહાવીરસિંહ માત્ર સ્થાનિક ગુનેગાર નહોતો, પરંતુ તેના તાર કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાની આશંકા હતી. વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં એલસીબીએ લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે રાજસ્થાની શખસોને પકડ્યા ત્યારે ઘટસ્ફોટ થયો હતો કે મહાવીરસિંહે જ તેમને ફ્લેટ ભાડે અપાવ્યો હતો અને તે ગામમાં બેઠા-બેઠા બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ સિવાય તેની સામે ધોળા દિવસે હથિયાર બતાવી લૂંટ કરવાનો ગુનો પણ નોંધાયો હતો, જેમાં પોલીસે તેની ધરપકડ કરીને આખા ગામમાં તેનો વરઘોડો કાઢ્યો હતો.



