મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of illegal water connections in Mogalwada

![]()
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે મોગલવાડા વિસ્તારમાં ભારે વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે પાણીના કનેક્શન દૂર દૂર કરાયા હતા, જ્યારે ગોદડિયા વાસમાં મોટર જપ્તીની કાર્યવાહી દરમિયાન સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
વોર્ડ નંબર-૧૪ના મોગલવાડામાં આવેલી બકરી પોળમાં ગેરકાયદે પાણીના કનેક્શન હોવાની ફરિયાદના આધારે મ્યુનિ. કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમ ગેરકાયદે કનેક્શન કાપવાની કામગીરી કરી રહી હતી ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ દરમિયાન મહિલા આસિ. એન્જિનિયરનો હાથ પકડી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, જેના કારણે સ્થિતિ વધુ તંગ બની હતી. ઘટનાની જાણ થતાં વાડી પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી આગળ વધારવામાં આવી હતી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કુલ ૨૨ પાણીના જોડાણો દૂર કરાયા હતા. વેરા પાવતી અને દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ૧૧ જોડાણ કાયદેસર હોવાનું સામે આવતા તે જોડાણોને ફરીથી ચાલુ કરાયા હતા.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં અપૂરતા પ્રમાણમાં અને દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. પાણીની ગુણવત્તા અને પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ તંત્ર ગેરકાયદે કનેક્શન શોધવાની કામગીરીમાં વ્યસ્ત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ ઉપરાંત, વોર્ડ નંબર ૧૩ના નવાપુરા સ્થિત ગોદડિયાવાસમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનમાંથી ગેરકાયદે રીતે પાણી ખેંચવા માટે લગાવવામાં આવેલી મોટરો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ટીમોએ વિવિધ વિસ્તારોમાં તપાસ કરીને મોટરો જપ્ત કરી હતી. આ દરમિયાન સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, જેના કારણે તેઓને મજબૂરીથી મોટરનો ઉપયોગ કરવો પડે છે.



