અમરેલીના ચમારડી સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર બેદરકારી: અનેક ફરીયાદ બાદ જાગેલી સરકારે એન્જિનિયરને નોટિસ ફટકારી | Government Issues Show Cause Notice to Engineer Over Poor Construction in Amreli

![]()
Zero Tolerance on Poor Quality Work In Amreli: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે બની રહેલા આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ અને નબળી ગુણવત્તાની અનેક ફરિયાદ ઉઠી હતી, આખરે સરકારી તંત્ર જાગ્યું અને જવાબદાર એન્જિનિયરને શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.
સરપંચની લેખિત રજૂઆત બાદ તપાસના આદેશ
મળતી માહિતી અનુસાર, ચમારડી ગામના સરપંચ દ્વારા આરોગ્ય સબ-સેન્ટરના નિર્માણમાં થઈ રહેલી બેદરકારી, ટેકનિકલ ક્ષતિઓ અને નબળા મટીરિયલના ઉપયોગ અંગે પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને સરકારે મોડે મોડે પણ ગંભીરતાથી લધી હતી. અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે જઈ પ્રાથમિક તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સરપંચની ફરિયાદના મુદ્દાઓમાં તથ્ય હોવાનું બહાર આવ્યું હતું. ફરજ પ્રત્યે ઘોર બેદરકારી દાખવવા અને ગુણવત્તા નિયંત્રણ જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ સંબંધિત એન્જિનિયરને કારણ દર્શાવો નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ: ₹28.94 લાખની નકલી નોટો સાથે છ લોકોની ધરપકડ
ક્ષતિઓ દૂર કરી નવેસરથી બાંધકામ કરવા સૂચના
રાજ્ય સરકાર ચમારડી સબ-સેન્ટરના સમગ્ર બાંધકામ અને તેમા વપરાયેલા સામાનની ઊંડાણપૂર્વક લેબોરેટરી અને તકનીકી તપાસ કરાવશે. બાંધકામમાં જ્યાં પણ નિયત ધોરણો મુજબ ખામીઓ જણાય, ત્યાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને અન્ય લોકો સામે કડક વહીવટી પગલાં લેવાશે. નબળી ગુણવત્તાવાળું બાંધકામ દૂર કરી, જરૂરી હોય ત્યાં તમામ નિયમો અનુસાર નવેસરથી બાંધકામ કરાવવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.
આ તમામ વચ્ચે મોટો સવાલ એ પણ છે કે સરકારના આ આકરા વલણથી સરકારી પ્રોજેક્ટ્સમાં વેઠ ઉતારતા તત્વો અને બેદરકાર અધિકારીઓને કોઈ અસર થશે ખરી? તંત્ર જો આ પ્રકારના દરેક સરકારી પ્રોજેક્ટ કે બાંધકામની તપાસ ચોકસાઈ અને નિષ્ઠા પૂર્વક કરાવે તો આવા અનેક પ્રોજેક્ટમાં ગોબાચારી બહાર આવી શકે છે. તપાસની આજ રીતની પ્રેક્ટિસ સરકાર જો યથાવત રાખે તોજ થોડા ઘણા અંશે આ પ્રકારની ગોબાચારી પર લગામ લાગી શકે છે. નહીં તો કટકીબાજો તો આવા પ્રોજેક્ટમાંથી કટકી કરવાની કોઈ તક જવા દેવાના નથી.

