પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking chemically tainted coffee near Panidhra

![]()
ત્રણ દિવસની સારવાર બાદ દમ તોડી દીધો
જો કે પોલીસના રેકર્ડ પર મોતના કારણમાં બીમારીનો ઉલ્લેખ, પરિવારે પણ અગાઉથી બીમારી હોવાનું નિવેદન આપ્યું
જૂનાગઢ: માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા નજીક રસાયણયુક્ત કેફી પીણું પીવાથી બે શ્રમિકના મોત થયા હતા જ્યારે અન્ય પાંચને સારવારમાં ખસેડાયા હતા, જેમાંથી પાણીધ્રાના યુવાનનું આજે વહેલી સવારે મોત થયુ હતું. જો કે રેકર્ડ પર બીમારીના કારણે મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના પરિવારે પણ અગાઉથી બીમારી હોવાનું નિવેદન આપ્યું છે.
પાણીધ્રાના પાટિયા પાસે આવેલી હોટલમાંથી કેફી પીણું લઈ પીનાર એક મહારાષ્ટ્રના અને એક રાજસ્થાનના શ્રમિકનું મોત થયુ હતું. તેમાંથી એકની તો અંતિમવિધિ કરવામાં આવી હતી. રાજસ્થાનના શ્રમિકનું પી.એમ. કરવામાં આવ્યું હતું જેમાં હૃદય બંધ થઈ જવાથી મોત થયાનું કારણ આપવામાં આવ્યું હતું. જ્યારે કેફી પીણું પીનાર એક મહિલા સહિત પાંચને સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી બેની તબિયત સારી થઈ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે મહિલા અને એક યુવાન સારવાર હેઠળ હતા.
આજે વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ પાણીધ્રાના કમલેશ કાના કરગઠીયા (ઉ.વ.૪૨)નું મોત થયુ હતું. જે તે વખતે તેના સબંધીએ પાણીધ્રા પાટિયા પાસેથી કેફી પીણું પીધા બાદ તેની તબિયત લથડી હોવાનું જણાવ્યું હતું. આ યુવાનનું મોત થતા પોલીસે રેકર્ડ પર આકસ્મિક મોતની નોંધ કરી છે તેમાં બીમારીના કારણે મોત થયાનો ઉલ્લેખ કર્યો છે.
આ અંગે માળિયા પોલીસ અને માંગરોળ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે મૃતક યુવાનના પરિવારજનોએ યુવાનને ફેંફસાની અને અન્ય બીમારી હતી. આથી બીમારીના કારણે મોત થયાનું નિવેદન આપ્યું છે.
પોલીસ તપાસમાં પાણીધ્રા પાટિયા નજીક હોટલ ધરાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, તેણે અગરબત્તી બનાવવાના કેમિકલમાં પાણી ભેળવી દારૂ તરીકે વેંચાણ કર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મિથેનોલ ન હોવાનુ અને લઠ્ઠાકાંડ હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ કેમિકલયુક્ત પાણીને દારૂના નામે વેંચાણ કરવામાં આવ્યું હતું તે પીવાથી પંચની તબિયત લથડી હતી તેમાં પાણીધ્રાનો આ યુવાન પણ દાખલ હતો. આ યુવાનનું પી.એમ.કરવામાં આવ્યું છે અને તેના વિશેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે તેમાં શુ આવે છે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



