ભારતના સીએની વધતી બોલબાલા, 80000 સીએ ભારતમાં બેસીને અન્ય દેશોને એકાઉન્ટિંગ સર્વિસ પૂરી પાડી રહ્યા છે | Vadodara : 80 000 CAs are providing accounting services to other countries based in India

![]()
Vadodara : અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન સહિતના દેશોની એકાઉન્ટિંગની વિવિધ કામગીરી ભારતમાંથી કરી આપતી ફર્મની સંખ્યા હવે 300 પર પહોંચી ગઈ છે અને તેમાં 80000 ચાર્ટર્ડ એકાઉન્ટન્સ કામ કરી રહ્યા છે. તેમ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પ્રસન્ના કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
આઈસીએઆઈના વડોદરા ચેપ્ટર દ્વારા બે દિવસની નેશનલ કોન્ફરન્સનું વડોદરામાં આયોજન કરાયું છે. જેમાં સીએ માટે અલગ અલગ ક્ષેત્રોમાં કયા કયા પ્રકારની તકો ઉભી થઈ રહી છે તેના પર ચર્ચા કરવામાં આવશે.
તેના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવેલા પ્રમુખ પ્રસન્ના કુમાર તથા પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટિના ચેરમેન અભય છાજેડે કહ્યું હતું કે, અત્યારે ભારતીય એકાઉન્ટિંગ ફર્મ અન્ય દેશોના ટેક્સેશન, એકાઉન્ટ, આઈટી રિટર્ન, કોમ્પ્લાયન્સ વર્ક, પે રોલ મેનેજમેન્ટ જેવી કામગીરી કરી રહી છે. આઈસીએઆઈ દ્વારા ભારતીય સીએ માટે આ બાબતને ધ્યાનમાં રાખીને એક વિશેષ સર્ટિફિકેટ કોર્સ પણ ચલાવવામાં આવે છે.ભારતીય સીએ સમયસર અને સચોટતાપૂર્વક આ કામગીરી કરતા હોય છે. ઉપરાંત અમેરિકા જેવા દેશોમાં એકાઉન્ટિંગ સર્વિસના જે રેટ છે તેના કરતા 50 ટકા ઓછી કિંમતમાં ભારતમાં કામગીરી થાય છે. જેના કારણે ભારતીય પેઢીઓની અને સીએની બોલબાલા વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, 2030માં એકાઉન્ટિંગ કામ કરતી ફર્મની સંખ્યા વધીને 500 સુધી પહોંચે અને ભારતને વિદેશી હુંડિયામણ સ્વરૂપે વાર્ષિક 20 અબજ ડોલરની આવક થશે તેવો અંદાજ છે.


