गुजरात

અમદાવાદ: માણેકચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત, થોડું-થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લીધું, પોલીસે કરી ધરપકડ | Ahmedabad Police Nab Jewellery Store Manager Accused of Stealing ₹40 Lakh in Gold



Ahmedabad News: અમદાવાદના સોના-ચાંદીના પ્રખ્યાત બજાર માણેકચોક વિસ્તારમાં ચોરી અને વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. અહીં આવેલી જ્વેલર્સની દુકાનમાં મેનેજરે જ માલિકની આંખમાં ધૂળ નાખીને લાખો રૂપિયાના સોનાની ચોરી આચરી હતી. છેલ્લા છ મહિનાથી ચાલી આવતી આ ચોરીની વિગતો ત્યારે સામે આવી જ્યારે મેનેજર અચાનક દુકાને આવવાનું બંધ કરી ગાયબ થઈ ગયો હતો. જ્વેલર્સના માલિકે આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ફરાર મેનેજરને ઝડપી લીધો છે.

કેવી રીતે ફૂટ્યો ચોરીનો ભાંડો?

મળતી માહિતી અનુસાર, આ ઘટના અંગે બોપલ વિસ્તારમાં રહેતા અને ખાડિયા માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા 32 વર્ષીય વેપારી મુકેશ સોનીએ ફરિયાદ નોંધાવી છે. તેમની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ધવલ બુરસે નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો, જે દુકાનનો તમામ હિસાબ અને સોનાના સ્ટોકની દેખરેખ રાખતો હતો.

ગત 29મી મેના રોજ મેનેજર ધવલ બુરસે સમયસર દુકાને આવ્યો નહોતો, જેથી માલિક મુકેશભાઈએ દુકાન ખોલી હતી. ધવલને ફોન કરતાં તેણે એક કલાકમાં આવું છું તેમ કહીને થોડીવારમાં પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બીજા દિવસે પણ ધવલનો ફોન બંધ આવતા વેપારી મુકેશ સોનીને શંકા ગઈ હતી. આથી તેમણે દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારી વિનોદ જોટાણિયાની હાજરીમાં સોનાના સ્ટોકની કાયદેસરની ગણતરી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો રસ્તો

6 મહિના સુધી ચાલ્યું ચોરીનું નેટવર્ક: 280 ગ્રામ સોનું ગાયબ

જ્યારે સ્ટોકની તપાસ કરવામાં આવી ત્યારે વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દુકાનમાં રહેલા કુલ  1753.263 ગ્રામના 25 સોનાના ટુકડાઓમાંથી 280 ગ્રામ ફાઈન સોનું ઓછું હોવાનું જાણવા મળ્યું હતું. જેની બજાર કિંમત અંદાજે 40 લાખ રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મેનેજર ધવલ બુરસેએ ગત પાંચમી ડિસેમ્બર 2025થી લઈને 29મી મે 2026 દરમિયાન માલિકની નજર ચૂકવીને રોજેરોજ થોડું-થોડું કરીને કુલ 280 ગ્રામ સોનું ચોરી લીધું હતું જેથી કોઈને એકસાથે ખબર ન પડે.

ખાડિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચ્યો

વેપારી મુકેશ સોનીએ આ અંગે ખાડિયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ખાડિયા પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસની મદદથી ફરાર થઈ ગયેલા આરોપી ધવલ બુરસેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને ચોરીનું સોનું રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button