અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway Accident: Eco and Pickup Collide One Dies in Head On Collision

![]()
Ahmedabad-Bagodara Highway Accident: અમદાવાદ જિલ્લાના બગોદરા નજીક આવેલા ભોગાવો પુલ ઉપર આજે (પાંચમી જૂન) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઈકો અને સામેથી આવતા પીકઅપ ડાલા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઇકોચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, ઈકો લીંબડી તરફથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઇડમાં બગોદરા તરફ આવી રહી હતી. કાર જ્યારે ભોગાવો પુલ ઉપર પહોંચી ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલા સાથે તેની સામસામે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઇકોચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના શવને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોને બગોદરા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ
ભોગાવોના બીજા પુલ પર ટ્રક પલટી
બીજી તરફ ભોગાવો નદીના બીજા પુલ ઉપર એક ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક હાઇવે પર જ પલટી મારી ગઈ હતી. એક જ સમયે બંને પુલ પર બનેલી ઘટનાઓને કારણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. હાલ બગોદરા પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઇડમાં ખસેડીને ટ્રાફિક હળવો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.



