રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot third POCSO complaint in two years

![]()
ડ્રાઈવિંગ કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી
પ્રેમીએ ત્યજી દેતાં અને માતાએ જે કર્યું તે ભોગવ તેમ કહેતાં તરૂણીએ ફિનાઈલ પી લીધુ હતું
રાજકોટ: શહેરમાં રહેતી તરૂણીને લગ્નની લાલચ આપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારવા અંગે આરોપી ઓમ ચંદ્રેશભાઈ નકુમ (ઉ.વ.રર, રહે. નરસિંહ મહેતા ટાઉનશિપ, કુવાડવા રોડ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેના આધારે ભક્તિનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.
ચોંકાવનારી બાબત એ છે કે ભોગ બનનાર તરૂણીએ છેલ્લા બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ નોંધાવી છે. માલવીયાનગરમાં અપહરણ અને પોકસોની ફરિયાદ બાદ બે માસ પહેલા ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં દૂષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની માતા ફરિયાદી હતી.
ભોગ બનનાર તરૂણીએ પોલીસને જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ મારફત આરોપી સાથે સંપર્કમાં આવતા લવ થઈ ગયો હતો. ર૦રપની સાલનાં ઓકટોબર માસમાં આરોપીએ તેને બોલાવી ત્રિકોણબાગ પાસેની હોટલમાં લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. જયાંથી આરોપી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તેના પરિવારના સભ્યોને તેની ઉંમર ૧૭ વર્ષની હોવાની માહિતી મળતાં લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.
ત્યાર પછી આરોપી તેને ઉપલેટા સગાને ત્યાં લઈ ગયો હતો. જયાં બે-ત્રણ દિવસ રોકાયા હતા. આ પછી બે મહિના આરોપી સાથે રહી હતી. આરોપીએ બાબરીયામાં કવાર્ટર રાખતાં જયાં છ મહિના રહી હતી. તે વખતે આરોપી અવાર-નવાર દૂષ્કર્મ ગુજારતો રહ્યો હતો. ત્યાં તેના માતા આવ્યા હતા. પરંતુ તેણે ઘરે આવવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
ગત ડિસેમ્બર માસમાં તેની સંબંધી જયશ્રીબેન તેની પાસે આવી હતી. જયશ્રીબેન છૂટાછેડા વગર વંશ પરમાર સાથે મૈત્રી કરાર કરીને રહેતી હતી. બંને રૈયા ગામમાં અટલ સરોવર પાસે લાઈટ હાઉસના કવાર્ટરમાં રહેતા હતા. જયાં આરોપી સાથે રોકાવા ગઈ હતી. તે વખતે વંશે તેને સોડામાં કાંઈક પીવડાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધતાં તેની માતાએ તેના વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગયા મહિને આરોપીએ બીજી યુવતી સાથે અફેર હોવાથી તેની સાથે લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. જેથી માતાના ઘરે જતી રહી હતી. ગઈ તા.ર૪ મેના રોજ આરોપીએ તેને પાંજરાપોળ બોલાવી કહ્યું કે તેની સાથે ફરીથી લગ્ન કરવા છે. બાદમાં બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે માતાને સમજાવવાની વાત કરી દોઢ મહિના સુધી મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. થોડા દિવસો બાદ આરોપીએ તેની માતાના ફોનમાંથી કોલ કરી ઘરે બોલાવી હતી. જયાં જતાં ફરીથી લગ્નની ના પાડી ઝઘડો કર્યો હતો.
આ ઘટનાક્રમ વચ્ચે તેની માતાએ જે કર્યું તે ભોગવ તેમ કહેતાં બાબરીયાના કવાર્ટરમાં ફિનાઈલ પી લીધી હતી. જેથી સિવિલમાં સારવાર લીધા બાદ આજે ફરિયાદ નોંધાવી હતી.



