અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing 500 year old idols from Akota’s Ghar Derasar

![]()
વડોદરાઃ અકોટાના ઘર દેરાસરમાંથી પ્રાચીન પ્રતિમાઓ અને દાગીનાની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
અકોટા સ્ટેડિયમ પાછળ અમી ફ્લેટમાં રહેતા સીએ પ્રતાપભાઇ બાવચંદભાઇ શાહનું નજીકની ચેતન સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે ભોંયતળિયે ઘર દેરાસર બનાવી તેમાં ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની ૫૦૦ વર્ષ જૂની પંચધાતુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જે પ્રતિમાઓ અને ૫૦૦ ગ્રામ ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા સહિતના દાગીનાની તા.૨૯મી મેની રાતે ચોરી થઇ હતી.
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીજે ચાવડા અને ટીમે જુદીજુદી ટીમો બનાવી ૧૦૦ થી વધુ સીસીટીવી તપાસતાં બાઇક સવાર ત્રણ યુવકોની હરકત શંકાસ્પદ જણાઇ હતી.જેથી પોલીસે તેમનું પગેરું શોધી ગોલ્ડન ચોકડી પાસેથી ત્રણેયને ઝડપી પાડી ચોરેલી પ્રતિમા અન ે દાગીના મળી રૃ.2.70 લાખની મતા કબજે કરી હતી.
પોલીસે પકડેલાઓમાં વિજય ભૂરા સંગાડા(નીરાબા સો.ગોત્રી,મૂળ ભોરવા ગામ,દાહોદ),ધર્મેશ નૂરજી માવી (પ્રિયા સિનેમા પાસે,ભાયલી રોડ મૂળ ચીલાકોટા, દાહોદ) અને સુનિલ છતર ડાંગી (લક્ષ્મીપુરા, કૃણાલ ચાર રસ્તા,વડોદરા મૂળ કાકરી ડુંગરી, દાહોદ)નો સમાવેશ થાય છે.આ પૈકી સુનિલ ડાંગીએ સેન્ટિંગનું કામ કર્યું હોવાથી તેની નજર પ્રતિમાઓ પર પડતાં બે સાગરીતો મારફતે કામ પાર પાડયું હતું.



