છોટા ઉદેપુર: ઘેલવાટ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડીઝલ લેવા નીકળેલા પુત્રનું મોત, પિતા ઈજાગ્રસ્ત | Truck Hits Tractor Near Chhota Udepur Village Young Man Loses Life in Crash

![]()
Truck-Tractor Collision In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના ઘેલવાટ ગામ નજીક આજે (ચોથી જૂન) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘેલવાટ ગામની આશ્રમ શાળા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર પિતા-પુત્રમાંથી 18 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ડીઝલ લેવા જતી વખતે કાળ આંબી ગયો
મળતી માહિતી અનુસાર, ઘેલવાટ ગામના પિતા-પુત્ર પોતાનું ટ્રેક્ટર લઈને નજીકના પંપ પર ડીઝલ પુરાવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે આશ્રમ શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવેલી બેફામ ટ્રકે ટ્રેક્ટરને જોરદાર હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અથડામણમાં ટ્રેક્ટર પર સવાર પુત્ર અંકિત રાઠવાનું શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
અકસ્માતમાં પિતાને પણ નાની-મોટી અનેક ગંભીર ઈજાઓ પહોંચતા તેને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: મહેસાણામાં 2 દિવસમાં 6ના કમકમાટીભર્યા મોત, 3 મહિલાએ કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું, 3 છોકરા ટ્રેન નીચે કચડાયા
પોલીસ કાફલો ઘટનાસ્થળે: તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ છોટા ઉદેપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક અંકિત રાઠવાના શવને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


