ચેતજો! પાટણમાં ફ્લેટમાં એસી બ્લાસ્ટ થતાં આગ ભભૂકી, સૂતેલી મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત | Patan News Female local IB head constable dies after AC blast in flat

![]()
Patan News: પાટણના ગાયત્રી ફ્લેટમાં બપોરના સમયે એસીમાં અચાનક શોર્ટસર્કિટ બાદ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં રૂમમાં સૂતેલા પાટણ જિલ્લા લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના મહિલા હેડ કોન્સ્ટેબલ સુરેખાબેન ચૌધરીનું ઘરની અંદર જ ફસાઈ જવાથી મોત નીપજ્યું છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. જો કે, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.
લોકલ IBના મહિલા હેડ કોન્સ્ટેબલનું મોત!
પાટણ શહેરના પદ્મનાથ ચોકડી નજીક આવેલા હાઈરાઈઝ ગાયત્રી ફ્લેટમાં ગઈકાલે બુધવારે બપોરે ફ્લેટના એક મકાનમાં ચાલુ એસીમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા બ્લાસ્ટ થયો હતો. એલઆઈબી (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો) વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેખાબેન ચૌધરી નોકરીથી આવ્યા બાદ બપોરે સૂતા હતા. આ બ્લાસ્ટ થતાંની સાથે જ આખા રૂમમાં અને ઘરમાં ધુમાડો અને વિકરાળ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. બપોરે થયેલા ઘડાકાથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
ઝેરી ધુમાડો શ્વાસમાં ભરાઈ ગયો!
જોકે, રૂમની અંદર શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગએટલી ઝડપથી ફેલાઈ કે સુરેખાબેનને જાગીને ઘરની બહાર ભાગવાનો પણ સમય મળ્યો ન હતો. ઝેરી ધુમાડો શ્વાસમાં ભરાઈ જવાના કારણે અને આગની લપેટમાં આવી જવાથી સુરેખાબેન ચૌધરી બળી જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ફ્લેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માત સમયે ઘરમાં એકલા સૂતેલા મહિલા પોલીસ કર્મી સુરેખા બહેન ચૌધરીને બહાર નીકળવાની તક મળી ન હતી અને તેઓ રૂમની અંદર જ જીવતા ભૂંજાયા હતા.
અકસ્માતે મોતનો ગુનો દાખલ
બ્લાસ્ટને કારણે રૂમમાં રહેલા ગાદલા, પડદા અને અન્ય ચીજવસ્તુઓએ તાત્કાલિક આગ પકડી લીધી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે અને મૃતદેહને પીએમ માટે પાટણ સિવિલ હોસ્પિટલ બાદ વધુ તપાસ માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આજે ગુરુવારની સવારે ડોક્ટરોની ટીમ દ્વારા વિગતવાર પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહીસાગર: ગાડીના બોનેટ પર ચઢીને રીલ બનાવવી ભારે પડી, જાનમાં ભાન ભૂલેલા 7 જાનૈયાની ધરપકડ
બ્લાસ્ટના કારણો જાણવા માટે FSLની તપાસ શરૂ
એક સક્રિય મહિલા પોલીસકર્મીનું આગમાં મોત થયું હોવાના સમાચાર મળતા જ પાટણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ રૂમમાંથી મહિલા પોલીસકર્મીનો સંપૂર્ણ બળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એસીમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી.


