गुजरात

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ | Ahmedabad News Bopal Ashok Pan Parlour Quantity of e cigarettes seized Allegation on the police



Ahmedabad News: બોપલના ચર્ચાસ્પદ અશોક પાન પાર્લરમાંથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડા પાડીને પ્રતિબંધિત ઇ-સિગારેટ અને રિફિલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે પાન પાર્લરના સંચાલક હર્ષિલ શાહ (રહે. ઇમ્પિરિયલ સિદ્ધિપ્રિયા, બોપલ-ઘુમા)ની ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં જીવરાજપાર્કના વિકી મારવાડી અને તાહીર નામના સપ્લાયરોના નામ ખૂલ્યા છે. પરંતુ આ સમગ્ર કૌભાંડમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક પોલીસના ‘રોહિત’ નામના વહીવટદારની સંડોવણીના મજબૂત પુરાવા કથિત રીતે SMCના હાથ લાગ્યા. 

પોલીસનો વહીવટદાર રક્ષણ પૂરું પાડતો!

આરોપ છે કે અમદાવાદ ગ્રામ્યના બે મોટા પોલીસ સ્ટેશનમાં વહીવટ સંભાળતા રોહિતે બોપલ અને શેલા વિસ્તારના પાન પાર્લરના સંચાલકોને કાયદાકીય રક્ષણ પૂરું પાડીને ઇ-સિગારેટના ખુલ્લેઆમ વેચાણની છૂટ આપી હતી. ઉચ્ચ અધિકારીઓના આ પીઠબળને કારણે જ સ્થાનિક પોલીસ છેલ્લા દોઢ વર્ષથી આંખ આડા કાન કરીને બેઠી હતી, પરંતુ હવે મામલો ગાંધીનગર સુધી પહોંચતા ઉચ્ચ સ્તરેથી આ વહીવટદાર સામે કડક તપાસના આદેશો છૂટ્યા છે.

પ્રોટેક્શન આપવામાં આવતું હોવાનો આરોપ

સૂત્રોના જણાવ્યા મુજબ આ વ્યક્તિ અમદાવાદ ગ્રામ્યના કેટલાક પોલીસ મથકો સાથે વહીવટી પ્રભાવ ધરાવતો હતો અને બોપલ તથા શેલા વિસ્તારમાં આવેલા કેટલાક મોટા પાન પાર્લરોને પ્રતિબંધિત ઇ-સિગારેટના વેચાણ માટે કથિત રીતે છત્રછાયા પૂરી પાડતો હતો. એટલું જ નહીં, સ્થાનિક પોલીસ અથવા અન્ય એજન્સીઓની કાર્યવાહીથી બચાવવા માટે પણ પ્રોટેક્શન આપવામાં આવતું હોવાના આરોપો  સામે આવ્યા છે. 

કાળા કારોબારના હપ્તાખોરીના ભાગીદાર હતા?

આ સમગ્ર ઘટનાક્રમે પોલીસ પ્રશાસનની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે અને અમદાવાદ પોલીસ બેડાના કામ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે જે પોલીસ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તેના જ ગુપ્ત માણસો (વહીવટદારો) જ્યારે નશાના ગેરકાયદે કારોબારને રક્ષણ આપતા હોય, ત્યારે યુવાધન સુરક્ષિત કેવી રીતે રહેશે? સ્થાનિક એજન્સીઓ પાસે ઇ-સિગારેટના ઇનપુટ્સ હોવા છતાં છેલ્લા દોઢ વર્ષથી કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, શું તેઓ પણ આ કાળા કારોબારના હપ્તાખોરીના ભાગીદાર હતા? માત્ર એક વહીવટદાર આટલું મોટું પ્રોટેક્શન આપી ન શકે, તો શું આ કૌભાંડના તાર સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ જોડાયેલા છે? ગાંધીનગરથી તપાસના આદેશ તો અપાયા છે, પરંતુ શું આ તપાસ માત્ર કાગળ પર સમેટાઈ જશે કે પછી ખાખીને કલંકિત કરનારા આ વહીવટદાર અને તેના આકાઓને ઉઘાડા પાડવાની કરી દાખલો બેસાડવામાં આવશે?

આ પણ વાંચો: અમદાવાદ: બોપલમાં SMCના પાન પાર્લર પર દરોડા, ઈ-સિગારેટ વેચતા આરોપીની ધરપકડ, બે સપ્લાયર્સ વોન્ટેડ

ખાખી વર્દી માટે શરમજનક બાબત!

બોપલનો આ કિસ્સો સાબિત કરે છે કે કાયદાના રક્ષકો જ જ્યારે ભક્ષક બને છે ત્યારે ગુનેગારોને ખુલ્લો દોર મળી જાય છે. પ્રતિબંધિત ઇ-સિગારેટ જેવા જીવલેણ નશાના કારોબારને પોલીસના જ વહીવટદારનું પીઠબળ હોવું એ સમગ્ર ખાખી વર્દી માટે શરમજનક બાબત છે. હવે જ્યારે આ મામલે તપાસના આદેશ ગાંધીનગરથી છૂટ્યા છે, ત્યારે ગૃહ વિભાગ માટે આ માત્ર એક દરોડાનો કેસ નથી, પરંતુ પોલીસ બેડામાં ચાલતી આવી ભ્રષ્ટ ‘વહીવટદાર પ્રથા’ અને હપ્તાખોરીના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવાનો મોટો પડકાર છે. જો આ કેસમાં જવાબદારો સામે દાખલારૂપ પગલાં ભરવામાં નહીં આવે, તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ થોડો છે તે પણ ઊઠી જશે અને આવા ગુનેગારોને વધુ છૂટદોર મળશે અને યુવાધન પોલીસના પાપે, હપ્તારાજના ભોગે અળવા પાટે ચડશે!



Source link

Related Articles

Back to top button