दुनिया

Explainer: ઈરાનમાં સાથે યુદ્ધ લડેલા ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે હવે 36નો આંકડો! મિત્રતાને કેમ લાગ્યું ગ્રહણ? | Why the friendship between Trump and Netanyahu turned into hostility



Trump and Netanyahu Hostility: વૈશ્વિક રાજકારણમાં સંબંધો ક્યારેય કાયમી હોતા નથી, ત્યાં માત્ર હિતો કાયમી હોય છે. એક સમયે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની જોડીને દુનિયાની સૌથી મજબૂત રાજકીય દોસ્તી માનવામાં આવતી હતી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન બંનેએ સાથે મળીને જેરુસલેમમાં યુએસ એમ્બેસી ખસેડવી, ગોલાન હાઇટ્સને માન્યતા આપવી અને ઐતિહાસિક ‘અબ્રાહમ કરાર’ જેવા મોટા નિર્ણયો લઈને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. પરંતુ આજે આ અતૂટ દેખાતી મિત્રતામાં ગાબડું પડ્યું છે. ગાઝા યુદ્ધ, લેબનોન પરના હુમલા અને યુદ્ધ પછીના પ્લાનિંગે આ બંને નેતાઓને એકબીજાના વિરોધી જેવા બનાવી દીધા છે. ચાલો જાણીએ કે કયા કારણોસર આ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે તણાવ સર્જાયો છે.

જૂનો દ્વેષ રાખીને ટ્રમ્પે ઇઝરાયલની ટીકા કરી 

બંને નેતાઓ વચ્ચે મતભેદની શરૂઆત વર્ષ 2020 થી જ થઈ ગઈ હતી. ટ્રમ્પના મનમાં એ વાતનો ગુસ્સો હતો કે ઇરાની જનરલ કાસેમ સુલેમાનીને મારવાના અમેરિકન ડ્રોન ઓપરેશનમાંથી નેતન્યાહૂ છેલ્લી ઘડીએ પાછળ હટી ગયા હતા. ટ્રમ્પ આ વાત ક્યારેય ભૂલ્યા નહીં. ત્યારબાદ, 7 ઓક્ટોબર 2023 ના રોજ જ્યારે હમાસે ઇઝરાયલ પર મોટો આતંકવાદી હુમલો કર્યો, ત્યારે આખી દુનિયા ઇઝરાયલ સાથે ઊભી હતી, પણ ટ્રમ્પે ફ્લોરિડાની એક રેલીમાં જાહેરમાં નેતન્યાહૂની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે નેતન્યાહૂ આ હુમલા માટે બિલકુલ તૈયાર નહોતા અને આ ઇઝરાયલની મોટી ઇન્ટેલિજન્સ નિષ્ફળતા હતી. એટલું જ નહીં, તેમણે લેબનોનના હિંસક સંગઠન હિઝબુલ્લાહને ‘બુદ્ધિશાળી’ ગણાવીને ઇઝરાયલી અધિકારીઓને નારાજ કર્યા હતા.

ટ્રમ્પને વેપારની ફિકર, નેતન્યાહૂને ખુરશીની ચિંતા 

ટ્રમ્પ હંમેશાં એક વેપારીની દૃષ્ટિએ વિચારે છે. તેઓ સાઉદી અરેબિયા અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી અને સંરક્ષણ સોદો કરાવવા માંગે છે, પરંતુ સાઉદી અરેબિયાની શરત છે કે ગાઝામાં યુદ્ધ બંધ થાય પછી જ કોઈપણ સોદો થશે. આથી, ટ્રમ્પ નેતન્યાહૂ પર યુદ્ધ ઝડપથી પૂરું કરવા દબાણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે લાંબા યુદ્ધથી દુનિયાભરમાં ઇઝરાયલની છબી બગડી રહી છે. ટ્રમ્પ યુએઈ (UAE) અને ઇજિપ્ત જેવા આરબ દેશોની મદદથી ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ ઈચ્છતા હતા. બીજી તરફ, નેતન્યાહૂ હમાસના સંપૂર્ણ વિનાશ વિના યુદ્ધ રોકવા તૈયાર નથી. નેતન્યાહૂ જાણે છે કે જો યુદ્ધ બંધ થશે તો તેમની જમણેરી ગઠબંધન સરકાર પડી જશે, કારણ કે તેમના સાથી મંત્રીઓએ ટેકો પાછો ખેંચવાની ધમકી આપી છે. અહીં ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય કરાર માટે શાંતિ ઈચ્છે છે, જ્યારે નેતન્યાહૂ પોતાની ખુરશી બચાવવા યુદ્ધ ચાલુ રાખવા માંગે છે.

ગાઝા પર કબ્જો જમાવવાની નેતન્યાહૂની ઈચ્છાથી ટ્રમ્પ નારાજ 

જ્યારે નેતન્યાહૂએ ઇઝરાયલી સેના (IDF)ને ગાઝાના 70%થી વધુ ભાગ પર સંપૂર્ણ સુરક્ષા નિયંત્રણ લેવાનો આદેશ આપ્યો, ત્યારે તણાવ વધી ગયો. ટ્રમ્પને આ પગલું અમેરિકાના શાંતિ પ્રયાસોને તોડી પાડવા જેવું લાગે છે. ટ્રમ્પ ઈચ્છતા હતા કે ભવિષ્યમાં ગાઝાની જવાબદારી સુધારેલી પેલેસ્ટિનિયન ઓથોરિટીને સોંપવામાં આવે અને ‘ટુ-સ્ટેટ સોલ્યુશન’ (બે-રાજ્ય ઉકેલ) તરફ આગળ વધી શકાય. પરંતુ નેતન્યાહૂએ અમેરિકાની આ ઈચ્છાને ફગાવી દઈને ગાઝા પર પોતાનું જ વર્ચસ્વ રાખવાની જાહેરાત કરી દીધી.

લેબનોન હુમલા બાબતે ફોન પર થયેલી ઉગ્ર બોલાચાલી 

બંને વચ્ચે સૌથી મોટો અણબનાવ લેબનોન મુદ્દે થયો. અમેરિકા બેક-ચેનલ ડિપ્લોમસી (ગુપ્ત વાટાઘાટો) દ્વારા લેબનોન અને ઈરાન સાથે પ્રાદેશિક યુદ્ધવિરામ કરવાની ખૂબ નજીક હતું, એ જ સમયે નેતન્યાહૂએ બેરૂત પર મોટા પાયે બોમ્બમારો અને ગ્રાઉન્ડ એટેક કરી દીધો. આનાથી ઈરાન ગુસ્સે ભરાયું અને તેણે અમેરિકા સાથેની ગુપ્ત વાટાઘાટો રોકી દીધી તેમજ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અચાનક વધી ગયા. આનાથી ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને બંધ બારણે ભારે અપશબ્દો કહ્યા. ટ્રમ્પે તેમને તેમના ભ્રષ્ટાચારના કેસોની યાદ અપાવી અને ચેતવણી આપી કે જો અમેરિકા સપોર્ટ પાછો ખેંચી લેશે, તો તમારું રાજકીય અસ્તિત્વ જોખમમાં આવી જશે. એ પછી ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવી પડી કે ઇઝરાયલ હુમલા ઘટાડવા તૈયાર થયું છે, જેના કારણે નેતન્યાહૂએ નમવું પડ્યું.

આ પણ વાંચો: દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ

ગાઝાના પુનઃનિર્માણનો અબજો ડોલરનો ખર્ચ કોણ કરે, એ મુદ્દે મડાગાંઠ સર્જાઈ

યુદ્ધથી બરબાદ થયેલા ગાઝાને ફરી બેઠું કરવા માટે અબજો ડોલરની જરૂર છે. ટ્રમ્પની નીતિ સ્પષ્ટ છે- ‘અમેરિકા ફર્સ્ટ’. તેઓ અમેરિકન કરદાતાઓના પૈસા ગાઝાના કાટમાળ પાછળ ખર્ચવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે કાં તો ઇઝરાયલ પોતે આ ખર્ચ ભોગવે અથવા અમીર ગલ્ફ દેશો આ પૈસા આપે. જ્યારે નેતન્યાહૂ દલીલ કરે છે કે ઇઝરાયલ આતંકવાદ સામે આખી પશ્ચિમી સંસ્કૃતિના રક્ષણ માટે લડી રહ્યું છે, તેથી અમેરિકા અને યુરોપે આ નાણાકીય ભાર ઉપાડવો જોઈએ. ખર્ચની આ ખેંચતાણે બંને વચ્ચેની કડવાશ વધુ વધારી દીધી છે.

વ્યવહારિક શાંતિ સામે રાજકીય અસ્તિત્વ ટકાવવાની મથામણ

ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધને એક બિઝનેસમેનની નજરથી જુએ છે. તેમનું માનવું છે કે યુદ્ધ પૂરી તાકાતથી લડો, પણ તેને ઝડપથી પૂરું કરીને એવા શાંતિ કરારો કરો જેનાથી અર્થતંત્રને ફાયદો થાય અને તેમની ક્રેડિટ વધે. જ્યારે બેન્જામિન નેતન્યાહૂ માટે આ યુદ્ધ તેમની રાજકીય કારકિર્દી બચાવવાનો એકમાત્ર રસ્તો છે, કારણ કે યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી જ તેઓ 7 ઓક્ટોબરની નિષ્ફળતાના સવાલોથી બચી શકશે. આ જ કારણ છે કે જ્યારે પણ શાંતિની વાત આવે છે, ત્યારે આ બે મિત્રો કટ્ટર વિરોધી બની જાય છે.



Source link

Related Articles

Back to top button