જામનગર શહેરના અતિ ચકચાર જનક રૂ.1.33 કરોડની છેતરપિંડીના કેસમાં આરોપી 6 દિવસના રિમાન્ડ પર | Jamnagar controversial person accused in Rs 1 33 crore fraud case remanded for 6 days

![]()
Jamnagar : જામનગર શહેરમાં રોકાણ અને આકર્ષક કમિશનની લાલચ આપી રૂ.1.33 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં ઝડપાયેલા આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી અદાલતે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસ મુજબ આરોપી હિતેશ લક્ષ્મીકાંત ગોહિલએ કાપડના ધંધા તેમજ અન્ય વ્યવસાયોમાં રોકાણ કરાવવાના બહાને કુલ 13 જેટલા લોકોને પોતાના વિશ્વાસમાં લઈ તેમની પાસેથી અંદાજે રૂ.1.33 કરોડ જેટલી રકમ મેળવી લીધી હતી. રોકાણ સામે ઊંચું વળતર અને આકર્ષક કમિશન આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. બાદમાં રોકાણકારોને વચન મુજબનું વળતર ન મળતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ભોગ બનનારાઓની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં ઝડપાયેલા આરોપી હિતેશ ગોહિલને તાજેતરમાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતા વધુ પૂછપરછ, નાણાકીય વ્યવહારોની તપાસ તથા અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે માહિતી મેળવવા માટે અદાલતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં હજુ વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે. આરોપીના નાણાકીય વ્યવહારો અને અન્ય પાસાઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


