ક્લાઉડની જગ્યાએ લેપટોપમાં AI એનવીડિયાએ નવી ચિપ લોન્ચ કરી | Nvidia launches new chip for AI in laptops instead of the cloud

![]()
– ડેટા સેન્ટર્સ પરની નિર્ભરતામાં ઘટાડો આવશે
– પહેલા, ચેટજીપીટી જેવા મોટા AI મોડલ્સ ચલાવવા ક્લાઉડ સર્વર અને ડેટા સેન્ટર્સની જરૂર પડતી હતી
તાઈપેઈ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ સર્જનાર કંપની એનવીડિયા હવે પર્સનલ કમ્પ્યુટરને પણ નવી ઓળખ આપવા તૈયાર છે. કંપનીએ તાઈવાનમાં યોજાયેલા કોમ્પ્યુટેક્સ ૨૦૨૬ ટેક ફેરમાં નવી આરટીએક્સ સ્પાર્ક્સ સુપરચિપ રજૂ કરી છે. આ ચિપ નેક્સ્ટ જનરેશન એઆઈ સંચાલિત લેપટોપ અને ડેસ્કટોપ કમ્પ્યુટર્સનું હૃદય બનશે. એનવીડિયાના ફાઉન્ડર અને સીઈઓ જેનસન હુઆંગે આરટીએક્સ સ્પાર્ક્સનું અનાવરણ કરતાં જણાવ્યું કે, અમે છેલ્લા ચાર દાયકામાં પહેલી વખત પર્સનલ કમ્પ્યુટરને ફરીથી શોધી રહ્યા છીએ. કમ્પ્યુટર હવે માત્ર સોફ્ટવેર ચલાવવાનું સાધન નહીં રહે, પરંતુ યુઝર્સ માટે વિચારી અને કાર્ય કરી શકતા એઆઈ આસિસ્ટન્ટમાં પરિવર્તિત થશે.
અત્યાર સુધી ચેટજીપીટી, જેમિની જેવા મોટા એઆઈ મોડલ્સ ચલાવવા માટે ક્લાઉડ સર્વર અને વિશાળ ડેટા સેન્ટરોની જરૂર પડતી હતી. પરંતુ આરટીએક્સ સ્પાર્ક્સ ચિપથી એઆઈ મોડલ્સને સીધા લેપટોપમાં ચલાવી શકાય છે. જેના કારણે યુઝર્સને વધુ સ્પીડ, પ્રાઈવસી મળશે અને તેમની ઈન્ટરનેટ પર નિર્ભરતા ઓછી થશે. જેમ, સ્માર્ટફોને બે દાયકા પહેલા મોબાઈલ ફોનની વ્યાખ્યા બદલી નાખી હતી, તેમ એઆઈ આધારિત પર્સનલ કમ્પ્યુટર્સ આગામી વર્ષોમાં કમ્પ્યુટિંગની દુનિયાને નવી દિશા આપી શકે છે.



