સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર | Not forests but revenue areas are the deadly source of serious disease in lions

![]()
વનમંત્રી જશાધાર અને જામવાળા હોસ્પિટલ ખાતે દોડયા : 500થી વધુ સિંહોનું ડી-ટીકિંગ, ડી-વોમગ કરવું પડયું, રોગનાં કારણ અંગેનો ગુજરાત બાયોટેક. રિસર્ચ સેન્ટરનો રિપોર્ટ બાકી
જૂનાગઢ, : ગીર સેન્ચ્યુરી બહારનો રેવન્યુ વિસ્તાર વધુ એકવાર વનમંત્રીના મત મુજબ સિંહો માટે ઘાતક સાબિત થયો છે. જંગલમાં કોઈ ઘટના બની નથી પણ જે ગંભીર ઘટના બની છે તે રેવન્યુ વિસ્તારમાં બની છે તેવું વનમંત્રી સ્વીકારે છે. એક બાદ એક સિંહોના મોત મુદ્દે વનમંત્રીએ જામવાળા, જશાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દાવો કર્યો છે કે, પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને ચિંતાનું કોઈ કારણ નથી પણ સિંહો માટે જંગલ ટુંકુ પડતું હોવાથી રેવન્યુ વિસ્તારમાં રહેવા મજબુર છે અને રેવન્યુ વિસ્તાર જ રોગનું કારણ બન્યું છે.
જશાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં 8 સિંહોના મૃત્યું થયા અને હાલ 17 સિંહો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે તેવા દાવા સાથે વનમંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ઘણા દિવસ પહેલા ગીર સેન્ચ્યુરી બહાર એટલે કે ગીરગઢડા અને તેની આસપાસની બે રેન્જના વિસ્તારો છે ત્યાં અમુક સિંહબાળ નબળા પડી જવાને કારણે તેમના મૃત્યું નીપજ્યા હતા. આ ઘટના સામે આવતાની સાથે જ વન વિભાગે ગત તા. 19થી સમગ્ર વિસ્તારને આઇડેન્ટિફાય કરીને તપાસ શરૂ કરી દીધી હતી અને જરૂરી તમામ આગોતરા સુરક્ષાત્મક પગલાં લેવાના શરૂ કરી દીધા હતા. વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડોક્ટરો અને જૂનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરોની ટીમે સાથે મળીને યુધ્ધના ધોરણે કામગીરી કરી છે. આ વિસ્તારના ૫૦૦ કરતાં વધારે સિંહોને શોધીને તેમનું ડી-ટીકિંગ (જીવાત મુક્ત કરવા) અને ડી-વોર્મિંગ (કૃમિનાશક સારવાર) કરવાની પ્રક્રિયા કરાઈ છે. જે સિંહો નબળા દેખાયા હતા તેમાંથી અમુકને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે જ્યારે વધુ નબળા સિંહોને રેસ્ક્યૂ સેન્ટર ખાતે લાવીને સઘન સારવાર આપવામાં આવી છે. સારવાર હેઠળના આ તમામ સિંહો અત્યારે સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં તેમને મુક્ત કરવામાં આવશે. હાલ આ કેઝયુઅલ્ટી ખૂબ જ કંટ્રોલમાં છે. છેલ્લા ત્રણ દિવસની અંદર આ વિસ્તારમાંથી એક પણ સિંહનું મૃત્યુ થયું નથી.
લોકસાહિત્યકાર રાજભા ગઢવીને માલધારી તરીકે રહેવાની મંજૂરી મુદ્દે જવાબ ટાળી મંત્રીએ ચાલતી પકડી
લોકસાહિત્યકાર રાજભા ગઢવીને ગીરના માલધારી તરીકે લીલાપાણી રહેવાની મંજુરી આપતા મોટો વિવાદ સર્જાયો છે. આ અંગે મીડિયાએ સવાલો પૂછતા વનમંત્રીએ કંઈપણ બોલવાનું ટાળી ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉના અધિકારીએ વર્ષ 2023માં આ મુદ્દે કારણ સાથે નેગેટીવ અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ નવી અરજીથી જૂના કારણો કોરાણે મુકી લીલાપાણી નેસમાં મંજુરી આપતા મોટો વિવાદ શરૂ થયો છે.



