આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ: જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે, માહિતી ન આપી તો દંડની જોગવાઈ | First phase of Population Census 2027 in Gujarat From 1 June 2026 to 30 June 2026

First Phase Of ‘Population Census’ In Gujarat: ગુજરાતમાં જનગણના- 2027’નો આવતીકાલે તા. 01 જૂન 2026થી શુભારંભ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા ગુજરાત સરકારે અનુરોધ કર્યો છે.
બે તબક્કામાં હાથ ધરાશે કામગીરી, કુલ 33 પ્રશ્નો પૂછાશે
વસ્તી ગણતરી નિયામકના જણાવ્યા મુજબ રાજ્યભરમાં આવતીકાલે તા. 1 જૂન, 2026 થી 30 જૂન, 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય અસ્કયામતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે-સાથે જાતિ ગણતરીની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે.
વરિષ્ઠ અધિકારીઓ સહિત 3.74 લાખથી વધુ નાગરિકો ‘સ્વ-ગણતરી’માં જોડાયા
દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 17 મે-2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યમંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકા કમિશનરો સહિત જાગૃત નાગરિકો સ્વ-ગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે. આમ, વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં તા. 30 મે 2026ની સ્થિતિએ કુલ 3.74 લાખથી વધુ નાગરિકોએ સ્વ-ગણતરી માટે ફોર્મ ભર્યું છે. જેમાંથી 3.30 લાખની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીના 44 હજારના સ્વ-ગણતરી ફોર્મ હાલ પ્રક્રિયામાં છે.
1 લાખથી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝરોની ટીમ સજ્જ
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસ્તી ગણતરી યોજાશે. આ વસ્તી ગણતરીમાં 1,10,598 હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસ્તી ગણના અધિકારીઓને 3 તબક્કામાં વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે.
16 ભાષાઓમાં એપ અને ‘સ્વ-ગણતરી’નો વિશેષ વિકલ્પ
નોંધનીય છે કે, આ વખતની જનગણનામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત કુલ 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિશેષ વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેમાં ઉત્તરદાતાઓએ તા. 17 થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ પર પોતાની વિગતો જાતે નોંધાવી છે.

માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે, માહિતી ન આપવા બદલ દંડની જોગવાઈ
વધુમાં, જનગણના અધિનિયમ, 1948 અને જનગણના નિયમો, 1990ની જોગવાઈ હેઠળ એકત્રિત કરાયેલી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતોનો ઉપયોગ કાનૂની કે કરવેરાના હેતુઓ માટે થઈ શકશે નહીં. કાયદા અનુસાર દેશના દરેક નાગરિકે સાચી અને સંપૂર્ણ માહિતી આપવી અનિવાર્ય છે. માહિતી આપવાનો ઇનકાર કરવા બદલ કાયદામાં દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.
મદદ અને પૂછપરછ માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર
જનગણના અંગે કોઈ પણ પૂછપરછ કે મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઘરની રચનાથી લઈને વાહનો સુધી, પૂછાશે 33 સવાલ
આ વસ્તી ગણતરીમાં ઘરની રચના, સુવિધાઓ અને સંપત્તિ સુધીના અનેક પ્રશ્નો પૂછાશે. અહીં તે 33 પ્રશ્નોની માહિતી અપાઈ છે.
1. મકાન નંબર: નગરપાલિકા અથવા સ્થાનિક સત્તા મંડળ દ્વારા અપાયેલો નંબર.
2. વસ્તી ગણતરી ઘર નંબર: ગણતરીકાર દ્વારા અપાતો ખાસ નંબર.
3. ઘરનો ફ્લોર: ઘરના ફ્લોર માટે કઈ મુખ્ય સામગ્રી (સિમેન્ટ, લાકડું, માટી વગેરે) વપરાઈ છે?
4. દીવાલોની સામગ્રી: ઘરની દીવાલો કઈ સામગ્રીથી બનેલી છે?
5. છતની સામગ્રી: ઘરની છત કઈ સામગ્રીની બનેલી છે?
6. ઘરનો ઉપયોગ: શું આ ઘર રહેવા માટે છે, દુકાન છે કે બીજા કામમાં વપરાય છે?
7. ઘરની સ્થિતિ: ઘર સારી, સામાન્ય કે નબળી સ્થિતિમાં છે?
પરિવારની માહિતી
8. ઘરગથ્થુ નંબર: પરિવારનો ક્રમ નંબર.
9. પરિવારના સભ્યોની સંખ્યા: આ ઘરમાં કેટલા લોકો રહે છે?
10. ઘરના વડાનું નામ: પરિવારના મુખિયાનું પૂરું નામ.
11. ઘરના વડાનું લિંગ: પુરુષ, સ્ત્રી કે અન્ય.
12. ઘરના વડાની સમુદાય શ્રેણી: શું તેઓ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) કે અન્ય શ્રેણીમાં આવે છે?
13. માલિકીનો દરજ્જો: ઘર માલિકીનું છે, ભાડાનું છે કે બીજી કોઈ રીતે કબજામાં છે?
14. રહેવાના રૂમની સંખ્યા: પરિવાર દ્વારા કબજામાં લેવાયેલા રહેવાના રૂમ કેટલા છે?
15. પરિણીત યુગલોની સંખ્યા: આ ઘરમાં કેટલા પરિણીત યુગલો રહે છે? (લિવ-ઇન યુગલો પણ આમાં સામેલ)
શું આખું વર્ષ પાણી ઉપલબ્ધ રહે છે?
18. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત: ઘરમાં વીજળી, સોલાર કે બીજું કયું સાધન વપરાય છે?
19. શૌચાલયની પહોંચ: ઘરમાં શૌચાલયની સુવિધા છે?
20. શૌચાલયનો પ્રકાર: શું તે ફ્લશ લેટ્રીન છે કે પિટ લેટ્રીન?
21. ગંદા પાણીનું આઉટલેટ: ઘરનું ગંદુ પાણી ક્યાં જાય છે? (ગટર, સેપ્ટિક ટાંકી કે ખુલ્લી જગ્યા)
22. સ્નાન સુવિધાની ઉપલબ્ધતા: ઘરમાં બાથરૂમ છે કે નહીં?
23. રસોડાની ઉપલબ્ધતા: ઘરમાં રસોડું છે? LPG/PNG કનેક્શન છે?
24. રસોઈ માટેનું મુખ્ય બળતણ: લાકડા, ગેસ, કેરોસીન કે અન્ય કયું બળતણ વપરાય છે?
ઘરની સંપત્તિ અને સગવડો
25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર: ઘરમાં રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર છે?
26. ટેલિવિઝન: ઘરમાં ટીવી છે?
27. ઇન્ટરનેટ ઍક્સેસ: ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે?
28. લેપટોપ/કમ્પ્યુટર: ઘરમાં લેપટોપ કે કમ્પ્યુટર છે?
29. ટેલિફોન/મોબાઇલ ફોન: ઘરમાં મોબાઇલ કે લેન્ડલાઇન ફોન છે?
30. સાયકલ/સ્કૂટર/મોપેડ: ઘરમાં આ પ્રકારના વાહનો છે?
31. કાર/જીપ/વાન: ઘરમાં ચાર પૈડાં વાહન છે?
અન્ય મહત્ત્વપૂર્ણ માહિતી
32. મુખ્ય અનાજ: ઘરમાં મુખ્યત્વે કયા અનાજ (ઘઉં, ચોખા, જુવાર વગેરે)નો ઉપયોગ થાય છે?
33. મોબાઇલ નંબર: ફક્ત વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાશે.
તમે પણ તમારી માહિતી ઘરે બેઠા ભરી શકો છો
આ વખતની સૌથી મોટી સુવિધા એ છે કે નાગરિકો ‘સ્વ-ગણતરી’ પોર્ટલ દ્વારા પોતાની માહિતી જાતે ઓનલાઇન દાખલ કરી શકશે. જો તમે આ વિકલ્પ પસંદ કરો છો તો ગણતરીકાર તમારા ઘરે આવશે નહીં. આ પોર્ટલ પર ઉપરોક્ત 33 પ્રશ્નોની સંપૂર્ણ યાદી ઉપલબ્ધ છે, જે તમારે ભરવાની રહેશે.



