50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weather forecast imd heavy rain thunderstorm warning

Ahmedabad News: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિજ્ઞાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર, આગામી 7 દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે. આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકની સ્થિતિ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું. આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા ભાગોમાં પારો 40 ડિગ્રીથી વધુ રહી શકે છે.
અમદાવાદની સ્થિતિ: અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે.
આગામી 7 દિવસ ક્યાં અને ક્યારે વરસાદ પડશે?
દિવસ-1 (30 મે સુધી): સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
દિવસ-2 (30 મેથી 31 મે): વરસાદની શરૂઆત થશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તેમજ ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
દિવસ-3 (31 મેથી 1 જૂન): ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ (બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર)માં થોડા સ્થળોએ અને દક્ષિણ ગુજરાત તથા ગીર સોમનાથ-દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
દિવસ-4 (1 જૂનથી 2 જૂન): આ દિવસે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર) વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ રહેશે.
દિવસ-5 (2 જૂનથી 3 જૂન): દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી) વરસાદી માહોલ જામશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે.
દિવસ-6 અને (3 જૂનથી 5 જૂન): ઉત્તર ગુજરાતમાં થોડા સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ (જેમાં દિવસ-6માં રાજકોટ સહિત)માં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ યથાવત્ રહેશે.

ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગે વરસાદની સાથે ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઝંઝાવાતી પવનની ચેતવણી આપી છે. આ ઉપરાંત, કેટલાક જિલ્લાઓમાં અલગ-અલગ દિવસોએ ભારે વરસાદ પડવાની આશંકા છે.
ભારે વરસાદની ચેતવણીવાળા જિલ્લાઓ
31 મેથી 1 જૂન: અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
1 જૂનથી 2 જૂન: મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે.
2 જૂનથી 3 જૂન: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

ચોમાસાની પ્રગતિ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ વિસ્તાર, તેમજ બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તર-પૂર્વના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેના કારણે જ ગુજરાતના વાતાવરણમાં આ મોટો પલટો આવી રહ્યો છે.




