गुजरात

સાબરકાંઠા: પત્નીને ‘ડાકણ’ કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત, 12 શખસોની ધરપકડ | 12 Arrested After Mob Assault Over ‘Witchcraft’ Allegations in Sabarkantha Village



Mob Attack In Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડીવાંકડા ગામમાંથી અંધશ્રદ્ધા અને ડાકણના વહેમમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા કરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ કેટલાક શખસોએ એક મહિલા પર ‘ડાકણ’ હોવાનો વહેમ રાખી સમગ્ર પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઘરના મોભીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનાને પગલે એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાઓ સહિત 12 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પત્નીને બચાવવા જતાં પતિ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો

મળતી માહિતી અનુસાર, ગાડીવાંકડા ગામે રહેતા મનુ ડામોરના પત્ની પર ગામના જ કેટલાક લોકો ડાકણ હોવાનો વહેમ રાખતા હતા. આ અદાવતમાં ઉશ્કેરાયેલા હુમલાખોરો ટોળું વળીને તીક્ષ્ણ હથિયારો સાથે મનુ ડામોરના ઘરે ધસી આવ્યા હતા અને મહિલા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની પત્નીને હુમલાખોરોથી બચાવવા માટે મનુ ડામોર વચ્ચે પડ્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા હુમલાખોરોએ મનુ ડામોર પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

માતા-પિતાની વહારે આવેલા બે દીકરાઓ પણ લોહીલુહાણ

આ લોહિયાળ દ્રશ્ય જોઈને મનુ ડામોરના બંને દીકરાઓ પણ પોતાની માતા અને પિતાનો જીવ બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ હિંસક બનેલા ટોળાએ સહેજ પણ દયા રાખ્યા વિના બંને યુવાનો પર પણ હુમલો કરી દીધો હતો, જેમાં બંને દીકરાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં મનુ ડામોર અને તેમના બંને પુત્રોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મનુ ડામોરે દમ તોડી દેતાં આ કેસ હત્યામાં પલટાયો હતો.

ઘટનાની ગંભીરતાને પગલે ચિઠોડા પોલીસ મથકમાં હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે રાયોટિંગ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

LCB અને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં જ 12 આરોપીઓ ઝબ્બે કર્યા

આ ચકચારી હત્યાકાંડના પગલે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ચિઠોડા પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ગાડીવાંકડા ગામ અને આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ચોક્કસ બાતમીદારો અને ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ખૂની ખેલમાં સામેલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓમાં પુરુષો ઉપરાંત મહિલાઓ પણ સામેલ છે, જેમણે અંધશ્રદ્ધાના વહેમમાં આવીને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓના નામ

•વાલજી ડામોર

•જિજ્ઞેશ ડામોર

•રોહિત ડામોર

•જીવાજી ડામોર

•નગજી ડામોર

•હીરાજી ડામોર

•વિજય ડામોર

•કાંતિ ડામોર

•સંગીતાબહેન ડામોર

•અરૂણાબહેન ડામોર

•શારદાબહેન ડામોર

•સીતાબહેન ડામોર



Source link

Related Articles

Back to top button