રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા | Rajkot mayor Nehal Shukla was unanimously elected in the general board

![]()
છેલ્લી ઘડીએ ટિકિટ આપી, છેલ્લી કલાકમાં મેયર તરીકે પસંદગી : ડે.મેયર પદે વેસ્ટઝોનના દક્ષાબેન વસાણી અને સ્થાયી સમિતિ ચેરમેન પદે ઈસ્ટઝોનના પરેશ પીપળીયા ચૂંટાયા
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં 1973માં સ્થપાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ઈ. 2026- 2031ની ટર્મના કોર્પોરેટરો ગત તા. 28-4-2026 ના ચૂંટાયેલા જાહેર થયાના એક માસ બાદ આજે ઈદની રજાના દિવસે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં યોજાયેલી ચૂંટણીમાં મેયર તરીકે 48 વર્ષીય ડો.નેહલ ચીમનભાઈ શુક્લ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આજે 20 લાખની વસ્તી, 6 લાખ મિલ્કતો અને 161.86 ચો.કિ.મી.નો વિસ્તાર,વર્ષે રૂ।. 3000 કરોડથી વધુનું બજેટ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી મોટી મનપામાં 23માં મેયર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૭માંથી ચૂંટાયેલા નેહલ શુક્લને ટિકીટ ભાજપના રાષ્ટ્રીય મોવડીમંડળે ફોર્મ ભરવાની છેલ્લી કલાકમાં ટિકીટ આપી હતી અને આજે 11 વાગ્યે બોર્ડ મળ્યું તેના પોણા કલાક પહેલા ભાજપે તેમનું નામ મેયર પદ માટે જાહેર કર્યું હતું. આ સાથે આજે જનરલબોર્ડમાં ડેપ્યુટી મેયર તરીકે વેસ્ટઝોનના વોર્ડ નં. 9ના દક્ષાબેન ભરતભાઈ વસાણી તેમજ સ્થાયી સમિતિના 12 સભ્યો પણ બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના 65 અને કોંગ્રેસના 7 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા છે પરંતુ, વિપક્ષે પોતાના ઉમેદવાર મુકવાનું ટાળતા બીનહરીફ ચૂંટણી થઈ હતી.
સામાન્ય સભા બાદ તુરંત યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન તરીકે પરેશ રમેશભાઈ પીપળીયા ચૂંટાઈ આવ્યા છે. જ્યારે ભાજપ દ્વારા વોર્ડ નં. 14ના હિરેન ખીમાણીયાની તથા દંડક તરીકે વોર્ડ નં. 18માંથી ચૂંટાયેલા સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે. પાંચેય પદાધિકારીઓ પર આજે અભિનંદનની વર્ષા સાથે મનપા કચેરીમાં ચિક્કાર ભીડ જામી હતી. પદાધિકારીઓની નિયુક્તિ-ચૂંટણી સાથે જ બેેમાસનું અધિકારી રાજ પૂરૂં થયું છે અને રાજકારણીઓનું રાજ આજથી શરૂ થયું છે. આજથી કોર્પોરેટરો,પદાધિકારીઓના વેતન-ભથ્થા પણ શરૂ થઈ જશે.
આ વખતે ભાજપે ઉમેદવારોના નામ સંભવિત વિવાદો ટાળવા છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા પદાધિકારીઓના નામમાં પણ સસ્પેન્સ સર્જ્યું હતું. પાંચ પદાધિકારીઓમાં એક માત્ર ડે.મેયરને બાદ કરતા ચારેય પદાધિકારીઓ 50 વર્ષ કરતા નાની ઉંમરના છે તેમજ ગત પાંચ વર્ષની ટર્મમાં સત્તા પર રહેલા પૈકી કોઈને રિપીટ કરાયા નથી. ત્રણેય ઝોનમાં તેમજ બ્રાહ્મણ, લોહાણા, લેઉઆ પટેલ, ક્ષત્રિય અને આહિર એમ જ્ઞાાતિ સમતુલા જાળવવા પ્રયાસ કરાયો છે. આજે નવા પદાધિકારીઓની નિમણુક વખતે શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ તમામને શિસ્તમાં રહેવા સૂચના આપી હતી તેમજ ભાજપના સાઈડલાઈન થયેલા સ્વ.વિજય રૂપાણી જૂથ સહિતના નેતાઓની હાજરી પણ જોવા મળી હતી.



