ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen rejected in Fatehganj custodial death case

![]()
વડોદરા : ચોરીની શંકા સાથે લાવવામાં આવેલા વૃદ્ધને ઢોર માર મારી ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મોત નિપજાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા બે પોલીસ જવાને વચગાળાના જામીન માટે અરજી કરતા અદાલતે બન્નેની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ગુનાની ગંભીરતા અને તપાસ અધિકારીના અહેવાલને ધ્યાનમાં લેતા બંને અરજદારને રાહત આપવાનું યોગ્ય જણાતું નથી.
ઉલ્લેખનીય છે કે, ફતેગંજ પોલીસ ચોરીની આશંકાએ શેખ બાબુ નામના વૃદ્ધને પકડીને ફતેહગંજ પોલીસ સ્ટેશન લાવી હતી અને તેને કમ્પ્યુટર રૃમમાં ખુરશી સાથે દોરડાથી બાંધી એટલો શારીરિક ત્રાસ આપ્યો હતો કે વૃદ્ધનુંમોત નિપજ્યું હતું અને ત્યાર બાદ પોલીસે પુરાવાનો નાશ કરવા લાશને સગેવગે કરી દીધી હતી.આ બનાવ અંગે વર્ષ 2020માં એસીપીએ તત્કાલિન ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ગોહીલ, પીએસઆઇ રબારી અને પોલીસ જવાન સહિત છ સામે ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.
આ કેસમાં હાલ જેલમાં રહેલા પોલીસ કર્મચારી પંકજ માવજીભાઈ રાઠોડ અને યોગેન્દ્રસિંહ જીલણસિંહ ચૌહાણે વચગાળાની જામીન અરજી મૂકી હતી.લોકરક્ષક પંકજ રાઠોડે કમરની ગંભીર બીમારી હોવાનું જણાવી ખાનગી હોસ્પિટલમાં ફિઝીયોથેરાપી અને ઓર્થોપેડિક સારવાર કરાવવા માટે કોર્ટ પાસે 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. જ્યારે યોગેન્દ્રસિંહ ચૌહાણે તેની પત્નીના હાથમાં ફ્રેકચર થતા તેની સર્જરી બાદ ફિઝીયોથેરાપીની સારવાર કરાવવાની હોઇ 15 દિવસના જામીન માગ્યા હતા.
જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, અરજદાર પંકજને સિવિલ હોસ્પિટલમાં પૂરતી સારવાર અપાઈ રહી છે, તેથી ખાનગી ડોક્ટરની કોઈ જરૃર નથી.જ્યારે અરજદાર યોગેન્દ્રસિંહની પત્નીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ચૂક્યો છે અને ઘરમાં અન્ય સભ્યો હાજર છે. અરજદાર જેલની બહાર નીકળવાના જુદા જુદા બહાના શોધી રહ્યો છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ બન્ને અરજદારની વચગાળાના જામીન અરજી નામંજૂર કરી હતી.



