गुजरात

ટેકનોલોજી ફેકલ્ટીના પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની ૯૯માંથી ૪૪ બેઠકો જ ભરાઈ | seats vacant in part time degree course of technology faculty of msu



વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની  ટેકનોલોજી ફેકલ્ટીમાં ત્રણ દાયકાથી ચાલતા પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સની પ્રવેશ પ્રક્રિયા સરકારની એડમિશન કમિટિએ પોતાના હાથમાં લઈ લીધા બાદ આ કોર્સની બેઠકો ઘટી જવાની સાથે સાથે તેમાં પ્રવેશ લેનારા ઉમેદવારોની સંખ્યા પણ ઘટી ગઈ છે.

અગાઉ પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સમાં ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને સિવિલ એમ ત્રણ બ્રાન્ચની ૧૮૧ બેઠકો પર પ્રવેશ અપાતો હતો પણ આ કોર્સ હવે વર્કિંગ પ્રોફેશનલ કોર્સની કેટેગરીમાં આવતો હોવાથી દરેક બ્રાન્ચમાં મહત્તમ ૩૦ બેઠકો જ રાખી શકાય તેવું  કારણ આપીને તેની બેઠકો ઘટાડીને ૯૯ (ઈડબલ્યુએસ કેટેગરીને બેઠકો સાથે) કરી નાંખવામાં આવી છે.

અગાઉ આ કોર્સનું પ્રવેશ પ્રક્રિયા સહિતનું સંચાલન ટેકનોલોજી  ફેકલ્ટી કરતી હતી અને સપ્ટેમ્બરમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાતી હતી પણ એસીપીસીએ  આ વર્ષે જૂન- જુલાઈમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધર્યા બાદ ૯૯માંથી ૪૪ જેટલી જ બેઠકો ભરાઈ હોવાનું સૂત્રોએ કહ્યું છે.

ઉપરાંત વર્કિંગ પ્રોફેશનલ કોર્સને હવે હાયર પેમેન્ટ કેટગરીમાં મૂકવામાં આવ્યા છે.જેના કારણે તેની ફીમાં પણ વધારો થયો છે.અગાઉ ટેકનોલોજીના  પાર્ટ ટાઈમ કોર્સની ફી ૯૦૦૦ રુપિયા હતી પણ હવે તેની ફી વધારીને ૪૫૦૦૦ રુપિયા કરાઈ છે.જોકે એસીપીસીએ વેબસાઈટ પર ટેકનોલોજી ફેકલ્ટીના કોર્સને ભૂલથી ગ્રાન્ટ ઈન એઈડ કોર્સ બતાવી દીધો હતો.જેના કારણે આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસે ફેકલ્ટીને ૯૦૦૦ રુપિયા લેખે ફી લેવાનો વારો આવ્યો છે.

પહેલા અને અત્યારની  સ્થિતિ

બ્રાન્ચ પહેલા બેઠકો  હવે બેઠકો એડમિશન

મિકેનિકલ ૭૫ ૩૩ ૩૩

ઈલેક્ટ્રિકલ ૫૩ ૩૩ ૧૩

સિવિલ ૫૩ ૩૩

દર વર્ષે ૧૦૦થી વધારે ઉમેદવારોને નોકરીની સાથે ડિગ્રી મળતી હતી

ડિપ્લોમા થયા બાદ નોકરી કરતા- કરતા ડિગ્રી મેળવવા માગતા ઉમેદવારો માટે આ કોર્સ આદર્શ છે.પાર્ટ ટાઈમ કોર્સના નિયમ પ્રમાણે ૭૦ કિલોમીટરની અંદર જો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો તે એડમિશન માટે અરજી કરી શકે છે.તેમાં નોકરીમાં અમુક વર્ષનો અનુભવ જોઈએ તેવી પણ જરુરિયાત નથી.ઉપરાંત બેઠકો પણ વધારે હોવાથી દર વર્ષે ૧૦૦ થી ૧૨૦ ઉમેદવારો નોકરી કરતા કરતા ડિગ્રી મેળવતા હતા પણ હવે સરકારે બેઠકો ઘટાડવાની ફરજ પાડી હોવાથી ડિગ્રી મેળવનારાઓની સંખ્યા ઘટી ગઈ છે.

પ્રવેશ કાર્યવાહી વહેલી થતા સંખ્યા ઘટી હોવાની અટકળો

જાણકારોનું માનવું છે કે, આ વર્ષે જૂન જુલાઈ મહિનામાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાથી પ્રવેશ લેનારાની સંખ્યા ઘટી હોઈ શકે છે.સામાન્ય રીતે ફેકલ્ટી દ્વારા સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હતી.શક્ય છે કે, ઘણાને પ્રવેશ કાર્યવાહી વહેલી થઈ હોવાથી જાણ ના થઈ હોય.

યુનિ,ને નાણાકીય નુકસાન ભોગવવું પડશે

એસીપીસીએ ભૂલથી હાયર પેમેન્ટની જગ્યાએ ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો દર્શાવી દીધા બાદ હવે પ્રવેશ લેનારા ઉમેદવારો હાયર પેમેન્ટ પ્રમાણે ફી આપવાનો ઈનકાર કરી રહ્યા છે.જેના કારણે સત્તાધીશોએ હવે ગ્રાન્ટ ઈન એઈડ પ્રમાણે ૯૦૦૦ રુપિયા જેટલી ફી લેવી પડી છે.બીજી તરફ બેઠકો ઘટી ગઈ હોવાથી ફીમાંથી થનારી આવક ઘટી ગઈ છે.આમ એસીપીસીની ભૂલના કારણે યુનિવર્સિટીને નુકસાન ઉઠાવવાનો વારો આવશે.

કેમિકલ એન્જિનિયરિંગની બેઠકોને મંજૂરી ના મળી 

સૂત્રોનું કહેવું છે કે, વર્કિંગ પ્રોફેશનલ કોર્સ હેઠળ કોઈ પણ ત્રણ બ્રાન્ચમાં જ ભણાવી શકાય તેવા નિયમના કારણે કેમિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ પાર્ટ ટાઈમ ડિગ્રી કોર્સમાં શરુ કરવાની ફેકલ્ટી સત્તાધીશોની યોજના પણ અભરાઈએ ચઢી ગઈ છે.આ પ્રસ્તાવને મંજૂરી અપાઈ નથી.



Source link

Related Articles

Back to top button