વડોદરા સન ફાર્મા રોડ શાંતિનગર ગુડાના મકાનોમાં પાણી ડ્રેનેજ મુદ્દે હોબાળો : ફરિયાદોની સેન્ચ્યુરી | Uproar over water drainage issue in houses on Vadodara Sun Pharma Road Shantinagar Guda

![]()
Vadodara : વડોદરા શહેરના સન ફાર્મા રોડ વિસ્તારના શાંતિનગર વુડાના મકાનમાં છેલ્લા એક વર્ષથી ગંદા પાણી અને ડ્રેનેજની સમસ્યાની વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. ઘરે ઘરે બીમારીના ખાટલા છે. 100 જેટલી ફરિયાદો કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ વાત સંભળાતી નહીં હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેથી આજે સ્થાનિક રહીશોએ દેખાવો સુત્રોચાર કરી હોબાળો મચાવ્યો હતો
શહેરમાં ગયા વર્ષે વરસાદી પુર આવ્યું હતું. પૂરના પાણી સન ફાર્મા વિસ્તારના શાંતિનગર વુડાના મકાનો આસપાસ ભરાયા હતા. પાણી ઉતર્યા બાદ શાંતિનગરના વુડાના મકાનોમાં ડ્રેનેજની સમસ્યા સર્જાઈ હતી. ડ્રેનેજના પાણી શાંતિનગર આસપાસ ઉભરાતા સ્થાનિક રહીશોને ભારે દુર્ગંધ વાળા વિસ્તારમાં રહેવાની ફરજ પડે છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી પણ દુર્ગંધ મારતું અને ડહોળું આવે છે છતાં કોર્પોરેશનનું તંત્ર ઉકેલ લાગતું નથી.
પાલિકા તંત્ર સમક્ષ 100 જેટલી ફરિયાદો વિવિધ કક્ષાએ કરાઈ હતી. પાલિકા કર્મીઓ સળિયા અને પાવડા લઈને આવે છે પરંતુ ડ્રેનેજ ઢાંકણ ખોલતા જ આ કાર્યવાહી જેટિંગ મશીનથી હલ થઈ શકશે. આમ જણાવીને ઘટના સ્થળના ફોટા પાડીને તંત્રના માણસો રવાના થઈ જાય છે પરંતુ આજ દિન સુધી જેટિંગ મશીનથી કોઈ સફાઈ થઈ નથી. જોકે ડ્રેનેજ પાણીની સમસ્યાથી ઘરે ઘરે બીમારીના ખાટલા મંડાયા છે. દુર્ગંધવાળા વિસ્તારમાં ના છૂટકે રહેવું પડે છે. આ સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે એવી સ્થાનિકોની માંગ છે.



