दुनिया

ઈરાન સાથે શાંતિ વાટાઘાટો વચ્ચે લેબેનોનમાં સીઝફાયર તૂટ્યું? નેતન્યાયહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આદેશ | israel lebanon war updates netanyahu intensifies strikes on hezbollah bekaa valley



Israel Lebanon War 2026: મિડિલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભયાનક વાદળો ઘેરાયા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હિઝબુલ્લાહ સામેના હુમલા તેજ કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયલી સેનાએ લેબેનાન પર હવાઈ હુમલાનો નવો અને મોટો તબક્કો શરૂ કરી દીધો છે. આ હુમલા પૂર્વ લેબેનાનની બેકા વેલી સહિત દેશના અન્ય ભાગોમાં કરવામાં આવ્યા છે. લેબેનાન અને ઇઝરાયલ વચ્ચે અગાઉ થયેલી ૪૫ દિવસની યુદ્ધવિરામ (Ceasefire) લંબાવવાની સમજૂતી બાદ પણ આ હિંસક ટકરાવ સામે આવ્યો છે.

નેતન્યાહૂનું આક્રમક નિવેદન 600થી વધુ આતંકીઓનો સફાયો કર્યો

સોમવારે સાંજે એક વીડિયો સંદેશમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ઇઝરાયલ હાલમાં હિઝબુલ્લાહ સાથે યુદ્ધની સ્થિતિમાં છે અને સેનાને આદેશ અપાયો છે કે તેઓ સામેવાળા પક્ષ પર કચડી નાખનારો પ્રહાર કરે. અત્યાર સુધીના સૈન્ય ઓપરેશનમાં હિઝબુલ્લાહના 600 થી વધુ લડવૈયાઓનો સફાયો કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિની માંગ છે કે હુમલાની તીવ્રતા અને સ્તર હજુ પણ વધુ વધારવામાં આવે. બીજી તરફ ઇઝરાયલ સરકારના બે કટ્ટરપંથી મંત્રીઓ બેઝાલેલ સ્મોટ્રિચ અને ઇતામાર બેન ગ્વીરે તો આ સૈન્ય અભિયાનને લેબેનાનની રાજધાની બેરૂત સુધી લંબાવવાની માંગ કરી દીધી છે.

આ પણ વાંચો : 2.3 કરોડની વસતી ધરાવતા તાઇવાને શેરબજારમાં ભારતને કેવી રીતે પછાડ્યું? જાણો અસલી કારણ

હિઝબુલ્લાહનો પલટવાર ડ્રોન અને રોકેટથી 22 હુમલા

ઇઝરાયલના આ આકરા પ્રહારો સામે લેબેનાનની શિયા સશસ્ત્ર સંસ્થા હિઝબુલ્લાહે પણ જોરદાર જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે. ઇરાન સમર્થિત હિઝબુલ્લાહે જણાવ્યું છે કે, તેમણે ઇઝરાયલ દ્વારા સીઝફાયરના ઉલ્લંઘનના જવાબમાં દક્ષિણ લેબેનાન અને ઉત્તરી ઇઝરાયલના વિસ્તારોમાં 22 ડ્રોન અને રોકેટ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઇઝરાયલી સૈનિકો, ટેન્કો, સૈન્ય છાવણીઓ અને ઈમારતોને નિશાન બનાવવામાં આવ્યા છે.

માનવતાવાદી સંકટ અને વિસ્થાપન

16 એપ્રિલના રોજ સીઝફાયર સમજૂતી થયા બાદ ઇઝરાયલી સેનાના હુમલા મોટેભાગે દક્ષિણ લેબેનાન પૂરતા સીમિત હતા, પરંતુ હવે પૂર્વ લેબેનાન તરફ હુમલા વધતા ચિંતા વધી છે. સીઝફાયર બાદથી અત્યાર સુધીમાં ઇઝરાયલના 10 સૈનિકો માર્યા ગયા છે. જ્યારે લેબેનાનમાં ભારે બોમ્બમારો અને હુમલાને કારણે 400 થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં અનેક પેરામેડિક્સ અને ઈમરજન્સી સેવા આપતા કર્મચારીઓ સામેલ છે.ઇઝરાયલ દ્વારા દક્ષિણ લેબેનાનમાં નાગરિકોને સતત ઘર ખાલી કરવાના આદેશો અપાતા હોવાથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત (બેઘર) થઈ ચૂક્યા છે.

આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં બેઠક

નોંધનીય છે કે, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ શરૂ થયેલા આ પ્રાદેશિક સંઘર્ષ બાદ લેબેનાનની આરોગ્ય મંત્રાલયના મતે ઇઝરાયલી હુમલાઓમાં 3,000 થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. લેબેનાન સરકાર હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવાના પ્રયાસો કરી રહી છે, પણ તે માટે સીઝફાયર અનિવાર્ય ગણાવી રહી છે. આ ભયાનક તણાવ વચ્ચે, આગામી સપ્તાહે અમેરિકાના વોશિંગ્ટન ખાતે ઇઝરાયલ અને લેબેનાનના અધિકારીઓ વચ્ચે વધુ એક રાઉન્ડની વાટાઘાટો થવાની છે. જોકે, ઇરાન સરકાર અમેરિકા સાથે શાંતિ કરાર માટે તમામ મોરચે સંપૂર્ણ યુદ્ધવિરામની શરત રાખી રહી છે, જેની સામે ઇઝરાયલ સરકાર યુદ્ધ રોકવાના મૂડમાં દેખાતી નથી.



Source link

Related Articles

Back to top button