અમદાવાદ: રામોલમાં 34 વર્ષીય યુવકે કાચથી હાથની નસ કાપી જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ શરૂ કરી | Ahmedabad Youth Found Dead Near Ramol Wonder Point Police Launch Investigation

![]()
Ahmedabad News: અમદાવાદના રામોલ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલમાં વન્ડર પોઇન્ટ પાછળ 34 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર કાચ વડે પોતાના હાથની નસ કાપી નાખીને આત્મહત્યા કરી લીધી છે. જાહેરમાં આ રીતે હાથની નસ કાપી લેવાને કારણે લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
મળતી માહિતી અનુસાર, આપઘાત કરનાર યુવકની ઓળખ 34 વર્ષીય ઘનશ્યામ પ્રજાપતિ તરીકે થઈ છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ (PI) વી.ડી. મોરીએ જણાવ્યું હતું કે, ‘ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે.’
આપઘાતનું કારણ હજુ અકબંધ
યુવકે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રામોલ પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરીને આપઘાત પાછળનું સાચું કારણ શોધવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.


