દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested in murder of rape victim’s relative

![]()
પડધરી પંથકમાં 4 દિવસ પહેલાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી : આરોપીઓને અમીરગઢ બોર્ડરેથી ઝડપી રાજકોટ લવાયા : 2 વર્ષ કરતા વધુ સમય સુધી વોન્ટેડ રહી હત્યા નીપજાવી હતી
રાજકોટ, : પડધરી પંથકમાં તરૂણી ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની હત્યા કરી ફરાર બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. 35) અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.વ. 22) (રહે. બંને ખાખડાબેલા, તા.પડધરી)ને રાજકોટ રૂરલ પોલીસની ટીમે અમીરગઢ બોર્ડર પરથી ઝડપી લઇ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.
પડધરી પોલીસમાં ગઇ તા. 4-4-2024ના રોજ તરૂણી ઉપર દુષ્કર્મની પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે આરોપી અજયસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસના અંતે તેને જેલહવાલે કર્યો હતો. આ કેસમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહના નામ પણ આરોપી તરીકે હતા. આમ છતાં બંને આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી. જેને કારણે બે વર્ષ કરતાં વધું સમય સુધી વોન્ટેડ રહ્યા હતા.
બંને આરોપીઓને પોતાની વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસને લઇને હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ કે જે ભોગ બનનાર તરૂણીના સંબંધી હતા, તેની સાથે તકરાર ચાલતી હતી. જેને કારણે બંને આરોપીઓએ ગઇ તા.૨૦ના રોજ પુર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવરાજસિંહની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.



