રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના કૌભાંડમાં બુલેટ પર નોટો આપી જનાર એજન્ટ ઝડપાયો | Agent arrested for handing over notes on bullets in duplicate currency smuggling scam

![]()
વડોદરાઃ રાજસ્થાનથી ડુપ્લિકેટ ચલણી નોટો લાવવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર મુન્ના પાસેથી રૃ.૫૦૦ની નોટો લઇ અક્ષય ગોયેલને આપી જનાર મુન્નાનો એજન્ટ પકડાઇ જતાં હવે વોન્ટેડ મનોહર ઉર્ફે મુન્ના સુધી પહોંચવાનો માર્ગ વધુ સરળ બન્યો છે.
મૂળ વલસાડના સાગર મારુ નામના યુવકે વાઘોડિયારોડની એચડીએફસી બેન્કમાં રૃ.૫૦૦ની ૨૦ નોટો જમા કરતાં મશીનમાં આ નોટો પકડાઇ હતી અને ત્યારબાદ પોલીસ કેસ થતાં એેસઓજીની ટીમે એક પછી એક છ જણાને ઝડપી પાડયા હતા.
પોલીસની તપાસમાં ખૂલ્યું હતું કે, મોરબીનો ધનુષ પ્રકાશ હેલ્લીકરી લખપતિ બનવાના સપના સાકાર કરવા રાજસ્થાનના મિત્ર અક્ષય ગોયેલ મારફતે મનોહર ઉર્ફે મુન્નાના સંપર્કમાં આવ્યો હતો.મુન્નાએ ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરી તેના એજન્ટ મારફતે અક્ષયને આપી હતી.ત્યારબાદ ધનુષ અને તેનો મિત્ર ભાવેશ તા.૨૬મી એપ્રિલે રાજસ્થાન જઇ રૃ.૫૦ હજારની અસલી નોટો આપી ૧ લાખની જાલી નોટો લઇ આવ્યા હતા.ધનુષે આ નોટો તેના મિત્રોને પધરાવી દેતાં આ પ્રકરણમાં કુલ છ જણા પકડાયા હતા.
આ બનાવમાં ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરનાર રાજસ્થાનના વોન્ટેડ સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્ના પાસે રૃ.૫૦૦ની ૧૦૫ ડુપ્લિકેટ નોટો લઇ બુલેટ પર ડિલિવરી આપી જનાર અશોક રામરતન જાટ(કેકડી ગામ,અજમેર, રાજસ્થાન)નું નામ મળતાં પોલીસે તેના ગામમાં વોચ રાખી દબોચી લીધો છે.
સુરતના યોગગુરૃ પ્રદીપની રીલ જોઇં કૌભાંડ આચર્યું હતું
થોડાસમય પહેલાં સુરતનો યોગગુરૃ પ્રદીપ જોટાંગિયા ડુપ્લિકેટ નોટોમાં પકડાતાં તેની રીલ જોઇને મોરબીના ધનુષ હેલ્લીકરીએ રાજસ્થાની મિત્ર અક્ષયને ડુપ્લિકેટ નોટોની વાત કરી હતી.જેથી અક્ષયે તેના મિત્ર મનોહર ઉર્ફે મુન્નાને વાત કરતાં તેણે ડુપ્લિકેટ નોટોની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ પહેલી જ ડિલિવરીમાં ધનુષ અને તેના મિત્રો ઝડપાઇ ગયા હતા.
પોલીસે વેશપલટો કરી ગામમાં પડાવ નાખ્યો
સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્ના પાસેથી ડુપ્લિકેટ નોટો લઇ આવી બુલેટ પર ડિલિવરી આપી જનાર એજન્ટ અશોક જાટનું નામ ખૂલતાં એસઓજીના પીઆઇ જે આર ગામીતે અજમેરના કેકડી ગામે ટીમ મોકલી હતી. પોલીસે બે દિવસ સુધી શ્રમજીવી તેમજ ટેમ્પો ચાલક જેવા વેશમા વોચ રાખી હતી અને કોઇ ઊહાપોહ ના થાય તે માટે વહેલી સવારે જ અશોક જાટને તેના ઘરની બહારથી ઉઠાવી લીધો હતો.


