MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand for resuming MST coaches not resolved

![]()
Vadodara Western Raiway : પશ્ચિમ રેલવેમાં કોરોના કાળ પૂર્વે ચાલતી માસિક સીઝન ટિકિટ (MST) ધારકો માટેની આરક્ષિત કોચ વ્યવસ્થા ફરી શરૂ કરવાની માગ સાથે ‘વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન’ દ્વારા રેલવે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના પ્રમુખ તથા વડોદરા મંડળની DRUCC સમિતિના સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાએ રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીને પત્ર પાઠવી દૈનિક મુસાફરોની સમસ્યાઓ રજૂ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પશ્ચિમ રેલવે ઝોન હેઠળ આવેલા નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજ હજારો વેપારીઓ, ખેડૂતો, મજૂરો, નોકરિયાતો તેમજ વિદ્યાર્થીઓ રોજગાર અને અભ્યાસ માટે મોટા શહેરોમાં અપ-ડાઉન કરે છે. આર્થિક રીતે મધ્યમ અને નિમ્ન વર્ગના આવા મુસાફરો માટે રેલવે જ સૌથી સસ્તું અને સુલભ પરિવહન માધ્યમ છે.
વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના મહામારી પહેલાં પશ્ચિમ રેલવેની અનેક મુખ્ય ટ્રેનોમાં MST ધારકો માટે અલગ કોચ ફાળવવામાં આવતા હતા. જેના કારણે દૈનિક મુસાફરો, વિદ્યાર્થિનીઓ અને મહિલા મુસાફરો સુરક્ષિત અને સરળતાથી મુસાફરી કરી શકતા હતા.
રજૂઆત મુજબ કોરોના કાળ પછી ટ્રેન સેવાઓ સામાન્ય થઈ હોવા છતાં MST કોચની વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી નથી. પરિણામે દૈનિક મુસાફરોને સામાન્ય કોચમાં મુસાફરી કરવી પડે છે, જ્યાં પહેલેથી જ ભારે ભીડ હોય છે. આ પરિસ્થિતિને કારણે સામાન્ય મુસાફરો અને MST પાસ ધારકો વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતું હોવાનું જણાવાયું છે.
ભીડભાડને કારણે વિદ્યાર્થિનીઓ, મહિલા મુસાફરો અને વડીલોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. અસુરક્ષિત વાતાવરણમાં મુસાફરી કરવાની ફરજ પડતી હોવાના આક્ષેપ સાથે મુસાફરો માટે અલગ કોચની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.
એસોસિએશન દ્વારા અગાઉ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM) તથા વડોદરા મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે સ્થાનિક સ્તરે હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા હવે સીધી રેલવે બોર્ડ પાસે હસ્તક્ષેપની માગ કરવામાં આવી છે.
મોહમ્મદ હબીબ લોખંડવાલાએ રેલવે બોર્ડને વિનંતી કરી છે કે મુસાફરોની સુરક્ષા, સુવિધા અને વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખી કોરોના પૂર્વે જેમ MST કોચ કાર્યરત હતા તે ફરીથી શરૂ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે.



