દેણા ચોકડીના બ્રિજ પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં જુદા જુદા બે ગુના નોંધાયા | Two separate crimes were registered after a dispute over stopping a truck loaded with goats

![]()
વડોદરાઃ દેણા ચોકડી પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં હરણી પોલીસે એઆઇએમઆઇએમ પાર્ટીના શહેર પ્રમુખ અને અન્ય સામે જુદાજુદા બે ગુના નોંધ્યા છે.
નડિયાદના કપડવંજ રોડ ખાતે રહેતા ઇન્દ્રનારાયણ ત્રિપાઠીએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે દેણા ચોકડીના બ્રિજ નજીક ઘેટાબકરાંની પાંચ ટ્રક ઉભીરાખતાં એઆઇએમઆઇએમ પક્ષના શહેરના પ્રમુખ ઝુબેર પઠાણ,હાથીખાનાના અક્બર દિવાન, રાજેશ નાગજીભાઇ ખટીક,ફઝલખાન અને સાજીદ દૂધવાલા ઉપરાંત ૨૦ જેટલા સાગરીતોએ ઝપાઝપી કરી ગાળો દઇને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.
આવી રીતે નડિયાદના હેકો ભરત ભુરજીભાઇએ નોંધાવેલી બીજી ફરિયાદમાં પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે ઝુબેર પઠાણ,અક્બર દિવાન,મોપેડ ચાલક અને ૨૦ જેટલા લોકોએ ગ્રામ્ય વિસ્તારમાં દાખલ થયેલા ગુનાના મુદ્દામાલ વાળી ટ્રક રોકી રાખી સરકારી કામમાં અવરોધ ઉભો કર્યો હતો.જેથી હરણી પોલીસે તેમની સામે બીજો ગુનો નોંધ્યો છે.
હિન્દુ સંગઠનોના કાર્યકર દ્વારા ડ્રાઇવરને માર માર્યો હોવાની રજૂઆત
દેણા બ્રિજ પાસે બનેલા બનાવ અંગે એઆઇએમઆઇએમ ના આગેવાનોએ પણ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી અને ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હોવાના અને બકરી ઇદ પૂર્વે હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવા માગ કરી હતી.


