છોટા ઉદેપુરમાં ‘નલ સે છલ’: આકરી ગરમીમાં 2 બેડા પાણી માટે 2 કિલોમીટર દૂર પગપાળા જવું પડે છે, નસવાડી તાલુકાના ગામડાની બદતર હાલત | Water Crisis Deepens in Naswadi Villages as Residents Dig Pits in River for Water

Water Crisis Deepens in Naswadi: ‘નર્મદા મૈયા’ આખા ગુજરાતની જીવાદોરી ગણાય છે અને તેના પાણી નર્મદા કેનાલ મારફતે છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ નર્મદા નદીના કાંઠે જ વસેલા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એક આદિવાસી ફળિયામાં સરકારી વિકાસના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. નસવાડીના છોટીઉમર ગામના પટુલી ફળિયાના 200થી વધુ લોકો ઉનાળામાં પીવાના પાણીના એક-એક ટીપા માટે વલખાં મારી રહ્યા છે. હેડપંપો અને બોરના તળ ઊંડા જતાં લોકો નદીમાં વીરડા (ખાડા) ખોદીને દૂષિત પાણી પીવા અને પશુઓને પીવડાવવા મજબૂર બન્યા છે.
કરોડોના ખર્ચે નળ અને સંપ બન્યા, પણ આજદિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી
મળતી માહિતી અનુસાર, છોટીઉમર ગામનું પટુલી ફળિયું એ તાલુકાના છેવાડાના વિસ્તારનું છેલ્લું ફળિયું છે. સરકારની ‘નલ સે જલ’ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગ દ્વારા અહીં મોટો સંપ બનાવવામાં આવ્યો છે અને ઘરે-ઘરે નળ કનેક્શન પણ બેસાડી દેવાયા છે. સરકારી ચોપડે કદાચ આ ફળિયામાં પાણી પહોંચી ગયું હશે, પણ વાસ્તવિકતા એ છે કે નળ કનેક્શન નંખાયાના આજદિન સુધી તેમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. ઉનાળાની શરૂઆત થતાં જ ફળિયામાં આવેલા હેડપમ્પ અને બોરના જળસ્તર સાવ નીચા જતા રહ્યા છે, જેના કારણે આખું ફળિયું પાણી વિહોણું બની ગયું છે.

ધમધોખતા તાપમાં મહિલાઓની પાણી માટે 2 કિલોમીટરની પદયાત્રા
ભયાનક પાણીની તંગી વચ્ચે આ પટુલી ફળિયાની મહિલાઓની હાલત સૌથી વધુ કફોડી બની છે. આ ધોમધખતા 45 ડિગ્રી જેવા તાપમાં મહિલાઓ માથે બેડાં લઈને એકથી બે કિલોમીટર દૂર આવેલા કૂવાઓ પર પાણી ભરવા માટે પગપાળા જવા મજબૂર બની છે. કૂવા સિવાય જેમને પાણી નથી મળતું, તેઓ નર્મદા નદીના સુકાઈ ગયેલા પટમાં જઈને હાથથી ‘વીરડો’ (નાનો ખાડો) ખોદે છે અને કલાકો સુધી તેની અંદર ઝરતું પાણી ગાળીને પીવા માટે ઉપયોગમાં લે છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણીની આ ગંભીર સમસ્યા અંગે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, એસી કેબિનમાં બેસતા એક પણ અધિકારીએ આજદિન સુધી આ છેવાડાના ગામની મુલાકાત લેવાની તસ્દી સુધ્ધાં લીધી નથી.
પાણી વિના પશુઓની હાલત કફોડી
આ આદિવાસી વિસ્તારના લોકો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે. ઘરમાં પોતાના માટે પીવાનું પાણી નથી, ત્યારે પશુઓને ક્યાંથી પીવડાવવું? આ મોટી આફત સામે આવતા પશુ માલિકોએ એક અતિશય લાચારીભર્યો નિર્ણય લીધો છે. પશુઓ તરસ્યા ન મરે તે માટે માલિકોએ પોતાના ગાય અને ભેંસોને ખીલેથી છોડીને ખુલ્લા મૂકી દીધા છે. આ અબોલ પશુઓ પાણીની શોધમાં આપમેળે નર્મદા કિનારે પહોંચી જાય છે અને ત્યાં નદીનું પાણી પીને ગુજારો કરે છે. પશુ માલિકો ઉનાળાના આ બે મહિના સુધી પશુઓને ઘરે બાંધતા જ નથી.
છેવાડાના માનવીનો રૂંધાતો વિકાસ
એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને વૈશ્વિક વિકાસની ગુલબાંગો ફૂંકવામાં આવે છે, ત્યારે નર્મદાના કાંઠે જ તરસ્યા રહેતા આ 200 આદિવાસીઓનો વિકાસ ક્યાંક રૂંધાઈ ગયો હોય તેમ સ્પષ્ટ દેખાય છે. હવે જોવું એ રહ્યું કે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાણી પુરવઠા તંત્ર જાગે છે કે પછી આ ગરીબ આદિવાસીઓએ આખો ઉનાળો વીરડાનું ગંદુ પાણી પીને જ વિતાવવો પડશે.



