दुनिया

સોશિયલ મીડિયા પર બાળકો માટે ‘નો એન્ટ્રી’, કંપનીઓને થશે કરોડોનો દંડ: જાણો કેટલા દેશોમાં લગાવાયો પ્રતિબંધ | Canada Proposes Social Media Ban For Under 16s 60 Countries Tighten Child Safety Rules



Canada Social Media Ban : બાળકોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જેના કારણે બાળકો પર તેની લત લાગવાનો અને માનસિક આરોગ્યનો ખતરો વધી ગયો છે, ત્યારે બાળકોને સોશિયલ મીડિયાના દુષણથી બચાવવા માટે અનેક દેશોની સરકારોએ નવા-નવા કાયદાઓ ઘડી કાઢ્યા છે, જેમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ પણ સામેલ છે. સોશિયલ મીડિયા મામલે બાળકોની સુરક્ષાને લઈને અત્યાર સુધીમાં કુલ 60થી વધુ દેશો નિયમો બનાવી ચુક્યા છે, ત્યારે હવે આમાં કેનેડા પણ સામેલ થવાનું છે.

બાળકોની સુરક્ષા માટે કેનેડા સરકારનો મોટો નિર્ણય

કેનેડાની સરકારે બાળકોની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે બાળકોને ઓનલાઈન સતામણી, આદત અને માનસિક આરોગ્ય સંબંધીત ખતરાથી બચાવવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી છે. કેનેડાની સરકારે નવો ડિજિટલ સુરક્ષા કાયદા પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનું નામ ‘સુરક્ષિત સોશિયલ મીડિયા અધિનિયમ (Safe Social Media Act)’ છે. આ નવા પ્રસ્તાવ મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓને કાયદામાં ત્યારે જ રાહત મળશે, જ્યારે તેઓ સાબિત કરશે કે, તેમનું પ્લેટફોર્મ બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત છે.

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર નો એન્ટ્રી

કેનેડીયન સરકાર જે પ્રસ્તાવ લાવી છે, તેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ મૂકાયો છે. સરકારનું માનવું છે કે, સોશિયલ મીડિયાના કારણે બાળકોના માનસિક આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે, જેને રોકવી ખૂબ જરૂરી છે. જોકે જે કંપનીઓ બાળકોની સુરક્ષાનું કડકાઈથી પાલન કરશે, તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળી શકે છે.

AI ચેટબોટ્સ પર કડકાઈ

પ્રસ્તાવમાં માત્ર સોશિયલ મીડિયા જ નહીં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સને પણ સામેલ કરવામાં આવ્યું છે. સરકાર નવો ડિજિટલ રેગુલેટર બનાવશે, જેમાં ઈન્ટરનેટ સુરક્ષા નિયમો નક્કી કરશે. હવે ટેક કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પર શું નુકસાનકારક છે, તેની ઓળખ કરવાની રહેશે અને તે જોખમ તાત્કાલિક હટાવવા માટે પગલા ભરવા પડશે.

નિયમ તોડનારાને ફટકારાશે મોટો દંડ

કેનેડીયન સરકારે ટેક કંપનીઓ માટે કડક સજાની જોગવાઈ પણ કરીને રાખી છે. જો કોઈ સોશિયલ મીડિયા કંપની નવા નિયમોનું પાલન નહીં કરે તો તેમણે ભારે દંડ ભરવો પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને વૈશ્વિક આવકમાંથી 3 ટકા દંડ અથવા એક કરોડ કેનેડીયન ડૉલર (લગભગ 68 કરોડ રૂપિયા)નો દંડ ફટકારાશે. આમાંથી જે રકમ વધુ હશે, તે રકમ કંપનીઓએ ચુકવવી પડશે.

વિશ્વના 60થી વધુ દેશોએ બાળકોની સુરક્ષા માટે શું પગલા ભર્યા?

સોશિયલ મીડિયાના કારણે બાળકો પર થતી અસરોને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ નિયમો બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયા જેવા દેશોએ આવા નિયમો અમલમાં મૂક્યા છે. બ્રિટન, ફ્રાન્સ, સ્પેન અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ પણ આવા નિયમો લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં બાળકોની સુરક્ષા સંબંધી કાયદો અમલમાં આવ્યા બાદ લગભગ 47 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. ત્યારે હવે કેનેડીયન સરકાર ઓસ્ટ્રેલિયાના અનુભવોને ધ્યાને રાખીને પોતાના નિયમો લાગુ કરશે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 60થી વધુ દેશોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ અથવા કડક સેન્સરશિપ (જેમ કે યુટ્યૂબ, ફેસબુક, એક્સ પર પ્રતિબંધ કે બાળકોની સુરક્ષા સંબંધિત નિયમો) લગાવી ચૂક્યા છે. જોકે આ દેશોમાં પ્રતિબંધો અને ઉદ્દેશ્યની સ્થિતિ જુદી જુદી છે.

સોશિયલ મીડિયાના કારણે બાળકોના માનસિક આરોગ્ય અને સુરક્ષાને ધ્યાને રાખીને અનેક દેશોએ કાયદો બનાવ્યો છે, જેમાં નીચે મુજબના દેશો સામેલ છે.

ઓસ્ટ્રેલિયા : 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ છે.

ઈન્ડોનેશિયા : આ દક્ષિણ-પૂર્વ એશિયાનો પહેલો દેશ છે, જેણે ઓસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ લગાવ્યો છે.

મલેશિયા અને કનેડા : આ દેશોએ પણ ઓસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ઉંમરની ખરાઈ કરવા માટેનો પણ નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી છે.

યુરોપીયન સંઘ : યુરોપીયન સંસદે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને વીડિયો-શેરિંગ સાઇટોના ઉપયોગ માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત બનાવી છે.

ફ્રાંસ અને સ્પેન : આ દેશો સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ અને કડક ઉંમર ખરાઈ સિસ્ટમ લાગુ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.

ગ્રીસ : જાન્યુઆરી-2027થી 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે.

ગેબૉન : આ આફ્રિકી દેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ માટેની ઉંમર 16 વર્ષ નક્કી કરી છે. આ ઉપરાંત 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે માતા-પિતાની મંજૂરી ફરજીયાત કરી દીધી છે.

કેટલાક દેશોમાં અન્ય કારણોસર પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

કેટલાક દેશોમાં રાજકીય અથવા સુરક્ષા કારણોસર મુખ્ય સોશિયલ મીડિયા સાઈટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે, જેમાં ચીન, ઉત્તર કોરિયા, ઈરાન, તુર્કમેનિસ્તાન વગેરે દેશો સામેલ છે. આ દેશોના લોકો આવા પ્રતિબંધોથી બચવા માટે VPN (વર્ચુઅલ પ્રાઈવેટ નેટવર્ક)નો ઉપયોગ કરે છે. કેટલાક દેશો વિરોધ-પ્રદર્શન, હિંસા અથવા અફવાઓને અટકાવવા માટે પણ કામચલાઉ ધોરણે કેટલાક સમય માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બંધ કરી દે છે. આમાં અનેક આફ્રિકી અને એશિયાઈ દેશો પણ સામેલ છે.



Source link

Related Articles

Back to top button