તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram Panchayat over deepening of pond

![]()
કામ સોંપવા અને ખેડૂતોને માટી આપવા મામલે માથાકૂટ : સરપંચ અને સભ્યોનો પિતા- પુત્ર પર હુમલો : સામેના જૂથે સરપંચ- સભ્યોને માર માર્યોઃ સામસામે ફરિયાદ
મોરબી, : વાંકાનેરના તીથવા ગામે સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા તળાવને ઊંડું ઉતારવાના કામ અને તેની માટી ઉપાડવા બાબતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો અને મારામારી થઈ પડી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંને પક્ષો દ્વારા સામસામે હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદો નોંધાવવામાં આવી છે.
હાલ વાંકાનેર રહેતા તીથવા ગામના મનુભાઇ વશરામભાઇ વાઘેલા (ઉંમર 68) અને તેમનો દીકરો મયુર તીથવા ગ્રામ પંચાયત ઓફિસે તળાવમાંથી માટી ખોદવા બાબતે વાતચીત કરવા ગયા હતા. તે સમયે ત્યાં હાજર ગામના સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા, ઉપસરપંચ અબ્દુલભાઇ, અહેમદહુશેન પરાસરા, મુબીન હુશેન પરાસરા, કે.પી.પરાસરા તેમજ પંચાયત બોડીના અન્ય ચાર સભ્યો અને 4 થી 5 અજાણ્યા માણસો ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદી અને તેમના દીકરાને જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કરી, હડધૂત કર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં તેમનો મોબાઇલ અને સોનાનો ચેઇન પડી ગયો હતો.
સામા પક્ષે સરપંચ ઇસ્માઇલભાઇની ફરિયાદ મુજબ, જિલ્લા આયોજનમાંથી કુંડલીના ખારા નામના તળાવને ઊંડું ઉતારવાનું કામ મંજૂર થયું હતું, જેની ચર્ચા કરવા પંચાયતના સભ્યો ભેગા થયા હતા. આ દરમિયાન મનુભાઇ વાઘેલા અને તેમનો દીકરો મયુરભાઇ ત્યાં આવ્યા હતા અને આ કામની ગ્રાન્ટ મેં મંજૂર કરાવી છે, જેથી લીઝ એગ્રીમેન્ટથી આ કામ મને આપવાનું છે તેમ કહ્યું હતું. સરપંચે આ કામ ખેડૂતોના હિતમાં હોવાનું કહી માટી ખેડૂતોને આવશે તેમ કહેતા જ પિતા-પુત્ર ઉશ્કેેરાઈ ગયા હતા અને સરપંચને બે ફડાકા મારી દીધા હતા. ત્યારબાદ મયુરે અમૃત વીરજીભાઇ, અશ્વીન જયંતિભાઇ અને રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલાને બોલાવી લીધા હતા. આ તમામ શખ્સોએ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી પંચાયતના સભ્યોને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.



